Gujarati News

Gujarati News

News of Sunday, 5th May 2024

ગુજરાતમાં મતદાનનું કાઉન્‍ટડાઉન : કાલે સાંજે જાહેર પ્રચાર બંધ

ગુજરાતની ૨૫ બેઠકો માટે મંગળવારે મતદાન : પ્રચાર - પડઘમ બંધ થાય એ પૂર્વે આજે ગૃહમંત્રી શાહ, પ્રિયંકા, CM ભુપેન્‍દ્રભાઇની સભાઓ : છેલ્લી ઘડીનો પ્રચાર શરૂ : કાલે સાંજે પ્રચાર પડધમ બંધ થયા બાદ ડોર ટુ ડોર પ્રચાર : સોમવારની રાત કતલની રાત

નવી દિલ્‍હી, તા.૪: લોકસભાની ચૂંટણીના ત્રીજા તબક્કાની ચૂંટણીનું કાઉન્‍ટડાઉન શરૂ થયું છે. મંગળવારે રાજયની ૨૫ બેઠકો મતદાન થવાનું છે સુરતની બેઠક બિનહરીફ જાહેર થઇ છે. ૭મીએ યોજાનારા મતદાન પૂર્વે કાલે સાંજે જાહેર પ્રચાર પડધમ બંધ થશે એ પૂર્વે આજે અને કાલે વિવિધ પક્ષો ઝંવાવાતી પ્રચાર કરી રહ્યા છે. સોમવારે સવારથી ડોર ટુ ડોર પ્રચાર શરૂ થશે અને સોમવારની રાત કતલની રાત બનવાની છે.

આવતીકાલે જાહેર પ્રચાર પડધમ બંધ થાય એ પૂર્વે આજે અને કાલે કેન્‍દ્રિય નેતાઓ ઝંઝાવાતી પ્રચાર કરી રહ્યા છે.

કેન્‍દ્રીય ચૂંટણી પંચના આદેશ મુજબ, ચૂંટણી મતદાન પૂર્ણ થવાના કલાકથી એટલે કે તા.૭મી મેના રોજ સાંજે ૬ કલાકથી ૪૮ કલાક પહેલા ચૂંટણી પ્રચાર બંધ કરી દેવાશે. એટલે કે તા.૫મી મેના રોજ સાંજે ૬ કલાક પછી ઉમેદવારના ચૂંટણી પ્રચારના ડમડમીયા બંધ થઈ જશે. જાહેરસભા, સરઘસ અથવા અન્‍ય કોઈ પણ રીતે એકત્રિત કરવા, આયોજન કરવા કે સંબોધન કરવા ઉપર પ્રતિબંધ લાગી જશે. જેથી હવે ચૂંટણી પ્રચાર માટે આવતીકાલ તા.૨જી મેથી તા.૫મી મે સુધીના ચાર દિવસ જ રહ્યાં છે. ત્‍યારે ચૂંટણી પ્રચારનો કેટલો માહોલ બને છે તે જોવુ રહ્યું. આ જાહેરનામાનો ભંગ કરવા બદલ જિલ્લા મુખ્‍ય ચૂંટણી અધિકારી શિક્ષાત્‍મક કાર્યવાહી કરાશે.

* તા.૫મીએ સાંજે ૬ પછી આ પ્રતિબંધો પણ લાગશે

* ચલચિત્રોપ્ર ટેલિવિઝન કે અન્‍ય માધ્‍યમથી ચૂંટણી સંબંધિત બાબત પ્રદર્શિત નહીં કરી શકાય

* મતદારોને આકર્ષવા સંગીત સમારોહ, નાટકીય રજૂઆત, અન્‍ય મંનોરંજન કે આનંદપ્રમોદનું આયોજન નહીં કરી શકાય

* સ૨ઘસ કાઢનારા, ચૂંટણી પ્રચારકો વિગેરે અહીંના મતદાન ન હોય તો મતદાર વિભાગમાં હાજ૨ નહીં રહી શકે

* ચૂંટણી પ્રચાર માટે ઘેર ઘેર મુલાકાત લેતી વખતે એક સાથે વધુમાં વધુ પાંચ વ્‍યકિત જઈ શકશે

* ચૂંટણી પ્રચાર પક્ષના કાર્યકરો પક્ષનું પ્રતીકવાળી ટોપી, મફ્‌લ૨ ૫હેરી શકશે, પરંતુ બેનર પ્રદર્શિત નહીં કરી શકે

ગુજરાતમાં લોકસભા ચૂંટણી માટે રવિવારની સાંજે ૬ કલાકે જાહેર પ્રચાર પડધમ શાંત થઇ જશે. એટલે ભાજપ અને કોંગ્રેસ પાસે શનિવારે સવારે ૬ વાગ્‍યાથી પ્રચાર માટે ૩૬ કલાકનો જે સમય મળે એમ હોવાથી બંને પક્ષોમાંથી રાજકીય નેતાઓએ ઝાંઝાવાતી પ્રવાસો શરૂ કર્યા છે. રવિવારે સાંજે પડઘમ શાંત થાય તે પહેલા છેલ્લા કલાકોમાં દરેક ઉમેદવારોને રોડ-શો યોજીને મતદારોને રીઝવવાની તક ઝડપી લેવા બંને પક્ષોમાંથી સુચનાઓ અપાઇ છે.

૭મી મેને મંગળવારે મતદાનને આડે થોડા દિવસ રહ્યા છે ત્‍યારે કેન્‍દ્રિય ગૃહમંત્રી અમિતભાઇ શાહ શુક્રવારની સાંજે અમદાવાદ આવી ગયા હતા. શનિવારે તેઓ છોટાઉદેપુર અને વલસાડમાં સભા સંબોધશે. ત્‍યારબાદ સંઘ પ્રદેશ દમણમાં પ્રચાર કરીને રાતે અમદાવાદ આવશે. તેઓ મતદાનના દિવસ સુધી દરરોજ રાતે અમદાવાદ આવી ભાજપની વ્‍યવસ્‍થાઓ સમીક્ષા કરશે.

મુખ્‍યમંત્રી ભુપેન્‍દ્રભાઇ પટેલે મોરબી, ગાંધીનગર, પેટલાદ સહિત ત્રણ સ્‍થળે ભાજપનો પ્રચાર કરશે. ઉપરાંત શનિવારે મહારાષ્‍ટ્રના સાંસદ નવનીત રાણા અને રાજસ્‍થાન સરકારના કેબિનેટ મંત્રી રાજયવર્ધન રાઠોડ પણ કચ્‍છ, સૌરાષ્‍ટ્ર અને ઉત્તર ગુજરાતમાં ચૂંટણી પ્રચારાર્થે આવી રહ્યા છે.

ભાજપના નેતાઓના ચૂંટણી પ્રચાર કાર્યક્રમોની સમાંતર કોંગ્રેસના પ્રિયંકા ગાંધી શનિવારે બનાસકાંઠાના લાખણીમાં સભા સંબોધશે જયારે પૂર્વ વિદેશ મંત્રી અને સાંસદ શશી થરૂર વડોદરામાં આવી રહ્યાું જાણવા મળ્‍યું છે. છેલ્લા બે દિવસોમાં ભાજપના પ્રદેશ અધ્‍યક્ષ સી.આર.પાટીલ ગુજરાતમાં કુલ આઠ જેટલી જાહેર સભાઓનું સંબોધશે. તદ્‌ઉપરાંત રાજય સરકારના તમામ મંત્રીઓને સોંપાયેલા લોકસભા ક્ષેત્રના ઉમેદવારોના ચૂંટણી પ્રચાર અને મતદાન વ્‍યવસ્‍થાઓને આખરી ઓપ આપવા પહોંચવા પ્રદેશ કાર્યાલયમાંથી આદેશો થઇ રહ્યા છે. જેઓ રવિવારે બપોર પછી ભાજપના ઉમેદવારોના રોડ- શોમાં પણ સામેલ થશે. કોંગ્રેસના ઉમેદવારોએ પણ છેલ્લા દિવસે - રોડ-શો અને ચૂંટણી પ્રચાર માટે સ્‍થાનિક કલાકારો સાથે રાખવાનું આયોજન કર્યુ છે. ઉલ્લેખનીય છે કે, રવિવારની સાંજે ૬ કલાકે પ્રચાર પડધમ શાંત થયા પછી સોમવારે ઉમેદવારો વ્‍યકિતગત ધોરણે પ્રચાર કરી શકે છે.

(12:00 am IST)