Gujarati News

Gujarati News

News of Sunday, 5th May 2024

પાણી પુરવઠા વિભાગનો એન્જિનીયર ૧.૨૦ લાખની લાંચ લેતા ઝડપાયો

એક માસના ત્રીસ હજાર લેખે ચાર માસના રૂપિયા ૧,૨૦,૦૦૦ ની લાંચની માંગણી શ્રીવાસ્તવે કરી હતીઃ ૫૪ ગામના પાણી પુરવઠાનું સમારકામ અને નિભાવણીની કામગીરી કરે છે

 

ધંધુકા, તા.૫ : ધંધુકામાં ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડમાં નાયબ કાર્યપાલક એન્જિનીયર તરીકે ફરજ બજાવતો વૈભવ અચલકુમાર શ્રીવાસ્તવ રૂ, ૧,૨૦,૦૦૦ ની લાંચ લેતા એસીબીના હાથે રંગેહાથ ઝડપાઈ ગયો હતો. અધિકારીઓએ તેના ઘરની ઝડતી લેતા ઘરમાંથી રોકડા રૂ.૩૦,૦૦,૦૦૦ મળી આવ્યા હતા. શ્રીવાસ્તવને સેસન્સ કોર્ટ મિરઝાપુરમાં હાજર કરાતા કોર્ટે તેના ૬ મે સુધીના રિમાન્ડ મંજુર કર્યા હતા.

આ કેસની વિગત મુજબ ફરિયાદી ધંધુકા તાલુકાના ૫૪ ગામના પાણી પુરવઠાનું સમારકામ અને નિભાવણીની કામગીરી કરે છે. આ કામગીરીના ચાર માસના બિલોમાં કપાત નહી કરી બિલો તાત્કાલિક ફોરવર્ડ કરી મંજુર થઈ આવેથી એક માસના ત્રીસ હજાર લેખે ચાર માસના રૂ. ૧,૨૦,૦૦૦ ની લાંચની માંગણી શ્રીવાસ્તવે કરી હતી.

જોકે ફરિયાદી લાંચ આપવા માંગતો ન હોવાથી તેણે એસીબીમાં ફરિયાદ નોંધાવી હતી. જેને આધારે એસીબીના અધિકારીઓએ ૨.૫.૨૦૨૪ ના રોજ છટકુ ગોઠવીને લાંચના નાણાં ફરિયાદી પાસેથી સ્વીકારતા શ્રીવાસ્તવને રંગેહાથ ઝડપી લીધો હતો.

બાદમાં અધિકારીઓએ આરોપી શ્રીવાસ્તવના ઘરે ઝડતી કરતા તેના ડબલ બેડના ગાદલામાં સંતાડેલા રૂ. ૩૦,૦૦,૦૦૦ મળી આવ્યા હતા. જેને લઈને આ રકમ કબજે કરીને અપ્રમાણસર મિલકતની અલગથી તપાસની તજવીજ હાથ ધરવામાં આવી છે. દરમિયાન આરોપી વૈભવ શ્રીવાસ્તવને  સેસન્સ કોર્ટ મિરઝાપુર ખાતે હાજર કરાતા કોર્ટે તેના  ૬ મે સુધીના રિમાન્ડ મંજુર કર્યા હતા.

(11:39 am IST)