Gujarati News

Gujarati News

News of Sunday, 5th May 2024

નર્મદા પરિક્રમા બંધ કરાવવાનો નિર્ણય મુગલ શાસનની યાદ અપાવે છે: નર્મદા જિલ્લા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ

જો માઁ નર્મદા પરિક્રમા પુનઃ શરૂ કરવામાં નહી આવે તો જલદ આંદોલન કરવામાં આવશે: આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ, રાષ્ટ્રીય બજરંગ દળની ચીમકી

(ભરત શાહ દ્વારા) રાજપીપળા;નર્મદા પરીક્રમા અચાનક બંધ કરાવવાના વિરોધમાં નર્મદા જિલ્લા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય બજરંગ દળ દ્વારા જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપી પરીક્રમા ફરીથી શરુ કરવાની માંગ કરવામાં આવી છે.આ રજુઆત વેળા દક્ષિણ ગુજરાત પ્રાંત રાષ્ટ્રીય બજરંગ દળના મંત્રી ઉમેશ જોષી, નર્મદા જિલ્લા આંતર રાષ્ટ્રીય હિન્દુ પરિષદ મહામંત્રી મીતેશ જૈન, નર્મદા જિલ્લા સંત સમિતિના સજાનંદ મહારાજ,અમરદાસ બાપુ સહિતનાઓ ઉપસ્થિત રહ્યા હતા.

  નર્મદા કલેક્ટરને પોતાની રજુઆતમાં જણાવ્યું હતું કે લાખોની સંખ્યામાં હિંદુ શ્રધ્ધાળુઓ પૌરાણિક સમયથી નર્મદા જિલ્લામાં હિન્દુ વર્ષની ચૈત્ર માસ દરમિયાન ૧૮ થી ૨૦ કિલોમીટરની ઉત્તર વાહિની પરિક્રમા પદયાત્રા કરવામાં આવે છે.પણ કેટલાક સમયથી આ યાત્રા સરકાર તથા પ્રશાસનને માફક ના આવતી હોય તેવું દેખાય છે.પ્રશાસન દ્વારા ૨૯/૦૪/૨૦૨૪ રોજ નર્મદા ઉત્તર વાહિની પરિક્રમા પર અગમ્ય કારણોસર પ્રતિબંધ લાદી દેવાનો એક તઘલખી નિર્ણય લેવાયો છે.જે હિન્દુ ધર્મની આસ્થા પર એક કઠોર ઘાત સમાન છે.આવા હિન્દુ ધર્મના ઉત્સવ અને કાર્યક્રમો પર ભૂતકાળમાં મુગલો દ્વારા પ્રતિબંધ લાદવામાં આવતો હતો, જે આજે મુગલ શાસનની યાદ અપાવે છે.
   નર્મદા જિલ્લા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ, રાષ્ટ્રીય બજરંગદળ દ્વારા આ તુગલખી નિર્ણય સાંખી લેવામાં આવશે નહિ.ઔરંગઝેબી ફરમાનો જારી કરી સરકાર દ્વારા હિન્દુઓને પ્રતાડિત કરવામાં આવતા હોવાનો આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદે આક્ષેપ લગાવ્યો છે.વધુમા જણાવ્યું છે કે પ્રસાશન દ્વારા તાનાશાહી વર્તન કરવામાં આવી રહ્યું છે.મોટર માર્ગે પરીક્રમા ચાલું છે એવું નર્મદા કલેક્ટર કહે છે પણ વવડી ચોકડી, રૂંઢ ચોકડી અને સમારીયા ચોકડી પર રસ્તા બ્લોક કરી દેવામાં આવ્યા છે તો ભકતો મોટર માર્ગે કેવી રીતે પરીક્રમા કરશે.જો માઁ નર્મદા પરિક્રમા પુનઃ શરૂ કરવામાં નહી આવે તો જલદ આંદોલન કરવામાં આવશે એવી ચીમકી પણ ઉચ્ચારી હતી

(10:37 pm IST)