Gujarati News

Gujarati News

News of Monday, 16th March 2020

સૌરાષ્‍ટ્ર ક્રિકેટ ટીમના ફાસ્ટબોલર-પોરબંદરના જયદેવ ઉનડકટે સગાઇ કરી લીધી

પોરબંદરઃ પ્રથમવાર રણજી ટ્રોફી જીત્યા બાદ સૌરાષ્ટ્રના ફાસ્ટ બોલર જયદેવ ઉનડકટના જીવનમાં વધુ એક ખુશી આવી છે. ઉનડકટે સગાઈ કરી લીધી છે. રવિવારે તેણે સોશિયલ મીડિયા પર ખુદ આ વાતની જાણકારી આપી છે.

સૌરાષ્ટ્ર ટીમનો કેપ્ટન જયદેવ ઉનડકટ પોરબંદરનો છે. તેણે હાલમાં રમાયેલી રણજી ટ્રોફીમાં શાનદાર પ્રદર્શન કરતા સૌરાષ્ટ્રની ટીમને રણજી ચેમ્પિયન બનાવી હતી. સૌરાષ્ટ્રે પ્રથમ ઈનિંગની લીડના આધારે આ ટ્રોફી જીતી હતી.

ઉનડકટે આ રણજી સિઝનમાં 13.23ની એવરેજથી 67 વિકેટ ઝડપી હતી. આ કોઈપણ ફાસ્ટ બોલર દ્વારા હાંસિલ કરાયેલી સૌથી વધુ વિકેટ છે. આ તેનું બીજું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન હતું. ભારતીય કેપ્ટન વિરાટ કોહલીના કોચ રાજકુમાર શર્માએ શનિવારે જયદેવના પ્રદર્શનની પ્રશંસા કરી અને કહ્યું કે, તેને ભારતીય ટીમમાં સામેલ કરવો જોઈએ.

શર્માએ કહ્યું, 'હું સૌરાષ્ટ્રને રણજી ટ્રોફીમાં શાનદાર પ્રદર્શનની શુભેચ્છા આપું છું. ખાસ કરીને ઉનડકટને શુભેચ્છા આપવા માગુ છું, જેણે આ સિઝનમાં 67 વિકેટ ઝડપી છે.'

શર્માએ કહ્યું, તેને ભારતીય ટીમમાં સામેલ કરવો જોઈએ. તે આઈપીએલમાં પોતાને સાબિત કરી ચુક્યો છે અને તેણે દેખાડ્યું કે તે લાંબા ફોર્મેટમાં ઉપયોગી બોલર છે.

(5:06 pm IST)