Gujarati News

Gujarati News

News of Monday, 16th March 2020

કોરોના વાયરસનાં પગલે ખોડલધામ ટ્રસ્ટ દ્વારા 31 માર્ચ સુધી તમામ ધાર્મિક કાર્યક્રમો સ્થગિત

ખોડલધામ મંદિરે બહોળી સંખ્યામાં ભક્તોને ન આવવા અને ધાર્મિક કાર્યક્રમો ન કરવા અપીલ

રાજકોટ : કોરોના વાયરસના કારણે ગુજરાત સહિત સમગ્ર વિશ્વમાં ચિંતા છે. કોરોના વાયરસના કારણે ગુજરાત સરકાર દ્વારા 31 માર્ચ સુધી રાજ્યભરની તમામ શાળા કોલેજો બંધ રાખવાનો આદેશ કર્યો છે સાથોસાથ મલ્ટીપ્લેક્સ અને સ્વિમિંગ પૂલ પણ બંધ રાખવાનો આદેશ કર્યો છે. ધર્મ સંસ્થાનોને પણ અપીલ કરવામાં આવી હતી કે તેઓ પોતાના કાર્યક્રમો શક્ય હોય ત્યાં સુધી રદ કરે. આ અંતર્ગત લેઉવા પટેલ સમાજનું આસ્થાના કેન્દ્ર એવા ખોડલધામ ટ્રસ્ટ દ્વારા પણ આગામી 31મી માર્ચ સુધીના તમામ ધાર્મિક કાર્યક્રમો સ્થગિત કરવામાં આવ્યા છે

  . ખોડલધામ મંદિરે બહોળી સંખ્યામાં ભક્તોને ન આવવા અને ધાર્મિક કાર્યક્રમો ન કરવા અપીલ પણ કરી છે ખોડલધામ ટ્રસ્ટે ધ્વજારોહણ કાર્યક્રમ તેમજ આગામી 25 તારીખથી ચૈત્રી નવરાત્રી શરુ થાય છે તે ચૈત્રી નવરાત્રી અંતર્ગત વધુ ભક્તો ખોડલધામ ખાતે એકઠા ન થાય તેવો અનુરોધ પણ કર્યો છે.

  અત્રે ઉલ્લેખનીય છે કે વર્ષમાં ચાર જેટલી નવરાત્રી આવતી હોય છે જેમા ચૈત્રી નવરાત્રિને વસંત નવરાત્રિ તરીકે ઓળખવામાં આવે છે. ત્યારે નવરાત્રી દરમિયાન ભક્તો પોતાની કુળદેવીના દર્શન અર્થે તેના પૂજન અર્ચન કરવા અર્થે મોટી સંખ્યામાં કુળદેવીના મંદિરે જતા હોય છે.

(10:08 pm IST)