Gujarati News

Gujarati News

News of Monday, 16th March 2020

મુન્દ્રામાંથી રોહીંગ્યા મુસ્લિમ પરિવાર ઝડપાતા ચકચારઃ ૯ વર્ષથી ગુજરાતમાં રહેતા પરિવારની પૂછપરછ

આધારકાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ, પાનકાર્ડ બની ગયા, ત્રણ સંતાનો, બન્ને બર્માથી વાયા બાંગ્લાદેશ થઈ અલગ અલગ ભારત આવ્યા બાદ અહીં પરણીને મુન્દ્રામાં રહેવાનું શરૂ કર્યું

ભુજ,તા.૧૬: સીએએ અને એનપીઆરના કાયદા અને તેની ચર્ચા વચ્ચે દેશમાં આવેલા ઘૂસણખોરોનો મુદ્દો મુખ્ય રહ્યો છે. ત્યારે રાજયની એટીએસ ટીમ દ્વારા કચ્છના મુન્દ્રા માંથી બર્માનો રોહીંગ્યા મુસ્લિમ પરિવાર ઝડપાતાં ચકચાર મચી ગઇ છે.

ત્રણ સંતાનો સાથે ઝડપાયેલા પતિ અને પત્ની બન્ને બર્માથી ૧૧ વર્ષ પહેલાં ૨૦૦૯ દરમ્યાન બાંગ્લાદેશ થઈને અલગ અલગ રીતે ભારતમાં પ્રવેશ્યા હોવાનું પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળ્યું છે. એટીએસ અને પશ્યિમ કચ્છ એસઓજી પોલીસે હાથ ધરેલા ગુપ્ત ઓપરેશનમાં ચોંકાવનારી માહિતી બહાર આવી છે. જે અનુસાર મહિલા જમ્મુ માં સ્થાયી થઈ હતી.

જયારે પુરુષ જયપુર રાજસ્થાનમાં સ્થાયી થયો હતો. જોકે, અન્ય સબંધીઓની મદદથી બન્નેએ લગ્ન કર્યા બાદ કચ્છના મુન્દ્રામાં રહેવાનું શરૂ કર્યું હતું. ૩૦ વર્ષીય અનવરહુસેન અહેમદહુસેન સુન્ની અને તેની ૨૬ વર્ષીય પત્ની રૂબીના ઉર્ફે રૂબી સાથે તેના બે પુત્રો અને એક પુત્રી સહિત પાંચેયને ભુજ જેઆઇસી માં ખસેડી તેમની પૂછપરછ કરાઈ રહી છે.

સુત્રોમાંથી મળેલી પ્રાથમિક વિગતો અનુસાર આ રોહીંગ્યા મુસ્લિમ પરિવાર પાસે ભારતીય નાગરિકતાના આધારપુરાવાઓ સમાન પાનકાર્ડ, આધારકાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ છે. અહેમદહુસેને રાજસ્થાનના જોધપુરમાંથી આધારકાર્ડ મેળવ્યા બાદ, ડ્રાઇવિંગ લાયસન્સ ટ્રક ડ્રાઇવર તરીકે ગાંધીધામમાંથી મેળવ્યું હતું. ત્યારબાદ બન્ને મુન્દ્રા માં રહે છે. તેમના ત્રણેય સંતાનોનો જન્મ ગુજરાતમાં થયો છે. જોકે, આ પરિવારની વધુ પૂછપરછ શરૂ કરાઇ છે. જેમાં ચોંકાવનારી વિગતો ખુલવાની સંભાવના છે. બર્મા માંથી નાસેલા રોહીંગ્યા મુસ્લિમોની દ્યૂસણખોરી નો મુદ્દો ૨૦૧૫ થી ચર્ચામાં છે અને તેમને ભારતમાં આશરો આપવા સામે વિરોધ પણ ચાલી રહ્યો છે.

(12:26 pm IST)