Gujarati News

Gujarati News

News of Monday, 16th March 2020

ભારતીય સૈન્યના વડા મનોજ નરવણે બે દિ' કચ્છ સરહદે કરશે સુરક્ષાનું નિરીક્ષણ

ભુજ તા. ૧૬: ભારતીય સૈન્યના વડા મનોજ મુકુંદ નરવણે આજે સવારે ખાસ લશ્કરી વિમાન દ્વારા ભુજ પહોચ્યા બાદ બપોરે હેલિકોપ્ટર દ્વારા કોટેશ્વર પહોચશે. તેઓ સરક્રિક સરહદ, જખૌ કોટેશ્વર દરિયાઇ સરહદ તેમ જ બોર્ડરની મુલાકાત લેશે. હવાઇ નિરિક્ષણ કરશે અને ભારતીય સૈન્ય દ્વારા હાથ ધરાયેલી  સુરક્ષા અંગેનું નિરિક્ષણ  કરશે. તેમનુ રાત્રી રોકાણ ભુજમાં રહેશે.  તેમની સાથે લેફટન્ટ જનરલ  સી.પી. મહોંતી પણ છે.

પુલવામાં ખાતેના આતંકવાદી હુમલાના પગલે થયેલી એરસ્ટ્રાઇક અને કાશ્મીરમાં કલમ ૩૭૦ની નાબુદી પછીના ઘટનાક્રમ દરમ્યાન ઉભા થયેલા માહોલ વચ્ચે ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધો હતા તેનાથી વધુ 'તંગ' બન્યા છે.   આ સ્થિતીમાં પાકિસ્તાનની સરહદને અડીને આવેલ અને દેશની સુરક્ષા  માટે વ્યૂહાત્મક રીતે મહત્વની એવી કચ્છ સીમા અને તેને  સંલગ્ન સમગ્ર સ્થિતી સલામતીની દ્રષ્ટિએ  વધુ ધ્યાન ખેંચનારી બની રહી છે. આ સમગ્ર માહોલ વચ્ચે   આવતીકાલે કચ્છ સરહદની મુલાકાતે આવી રહેલા દેશના લશ્કરના સર્વોચ્ચ વડા જનરલ મુકુંદ નરવણેની  આ મુલાકાત ભારે સુચક અને મહત્વની હોવાની દેખાઇ રહ્યુ છે. જમીન અને સાગ તથા હવાઇ સરહદથી પાકિસ્તાન સાથે જોડાયેલી કચ્છની ભુમિ સરહદ  ઉપરાંત ક્રીક  સરહદ સહિતના સ્થાનો પરત્વે મહત્વના નિર્ણય લેવા તરફ પગલા  મંડાય  તેવી સંભાવના પણ જોવાઇ રહી છે.

દેશના સેના પ્રમુખ જનરલ નરવણે સાથે લેફટનન્ટ જનરલ સી.પી. મોહંતી અને જોધપુરના  ક્રોર કમાન્ડર સહિતનો કાફલો આવી રહ્યો હોવાથી આ મુલાકાતને  અદકેરી ગણાવાઇ રહી છે. સેનાપ્રમુખની મુલાકાતને  લઇને સુરક્ષાને સંલગ્ન  એજન્સીઓ પણ સાબદી  બની છે.

જનરલ નરવણે તેમની આ મુલાકાત દરમ્યાન હેલિકોપ્ટર  મારફતે ક્રીક સહિતના વિસ્તારોનું   હવાઇ નિરિક્ષણ  કરશે.  તો તાબાના અધિકારઓ  સાથે સરહદે ગોઠવાયેલી સમગ્ર વ્યવસ્થાની જાતમીહિતી બાદ કચ્છ સરહદને સંલગ્ન મહત્વના નિર્ણયો લેવાય તેવી પાકી સંભાવનાઓ જોવાઇ રહી છે.  અત્યારે કચ્છની ભુમિસીમાની રક્ષા માટે સીમા સુરક્ષદળ તેનાત છે. તો ક્રીક સરહદે પણ  આ જ દળ રક્ષણની વ્યવસ્થા સંભાળે છે. સેનાના વડાની મુલાકાત બાદ મહત્વના અને ઐતિહાસિક કહી શકાય તેવા નિર્ણયમાં સરહદે સંરક્ષણની મુખ્ય જવાબદારી હવે લશ્કરને સોંપવામાં આવે તેવી વિગતો સપાટી ઉપર આવવા લાગી છે. આવોજ નિર્ણય ક્રીક સરહદ માટે પણ લેવાય અને અત્યારે મુખ્ય ભૂમિકા સંભાળતુ સીમાદળ સલામતીની વ્યવસ્થા માટેની દ્તિીય હરોળમાં આવી જાય તેવુ જાણવા  મળ્યુ છે.

(12:24 pm IST)