Gujarati News

Gujarati News

News of Monday, 16th March 2020

રાજય વિધાનસભાની પ્રથમ એવી અબડાસા બેઠકનો રાજકીય દાવપેચ ભર્યો રસપ્રદ ઇતિહાસ

શકિતસિંહ ગોહિલની જીત બાદ છબીલ પટેલ અને જેન્તી ભાનુશાલી વચ્ચેના વેરઝેરને કારણે વધુ ચર્ચામાં રહેલ કોંગ્રેસ તરફી ઝોક ધરાવતી અબડાસા બેઠક ઝુંટવી લેવા ભાજપના રાજકીય દાવપેચથી માહોલ ગરમ

ભુજ,તા.૧૬: ગુજરાત વિધાનસભાની ૧૮૨ બેઠકોની શરૂઆત ૧, અબડાસા બેઠકથી થાય છે. રાજયની આ પ્રથમ ક્રમાંકની બેઠકનો રાજકીય ઇતિહાસ રસપ્રદ છે. અબડાસા બેઠક ઉપર અત્યાર સુધીમાં એકને એક ઉમેદવાર બીજી વાર ચુંટણી જીતી શકતો નથી. ભૂતકાળમાં તારાચંદ છેડા, નરેન્દ્રસિંહ જાડેજા, છબીલ પટેલ, જેન્તી ભાનુશાલી, ડો. નીમાબેન આચાર્ય અહીં બીજી વાર જીતી શકયા નથી. તો, અબડાસા બેઠક રાજકીય પક્ષ પલટાને કારણે પણ રાજયના રાજકારણમાં ચર્ચામાં રહી ચુકી છે. ૧૯૬૨ માં કચ્છમાં સ્વતંત્ર પક્ષ અબડાસામાં ચૂંટણી જીત્યો હતો. પણ, મોટે ભાગે ૧૯૫૭ના પ્રારંભથી ૧૯૯૦ સુધી અબડાસા કોંગ્રેસનો ગઢ રહ્યું છે. ભાજપ વતી પ્રથમ વાર તારાચંદ છેડાએ અબડાસામાં ચૂંટણી જીતી ડો. નીમાબેનને હરાવી કોંગ્રેસના ગઢમાં ગાબડું પાડ્યું. પણ, ૧૯૯૫ માં ડો. નીમાબેન આચાર્ય જીત્યા, તારાચંદ છેડા હાર્યા, તો, ૧૯૯૮ માં કોંગ્રેસના ઈબ્રાહીમ મંધરા જીત્યા. ૨૦૦૨ માં ભાજપના નરેન્દ્રસિંહ જાડેજા જીત્યા. ૨૦૦૨ બાદ ડો. નીમાબેન આચાર્ય કોંગ્રેસ છોડી ભાજપમાં ગયા, તો નરેન્દ્રસિંહ જાડેજા ભાજપ છોડી કોંગ્રેસમાં આવ્યા. તેઓ ૨૦૦૭ માં જયંતી ભાનુશાલી સામે હાર્યા. તો, ૨૦૧૨ માં કોંગ્રેસના છબીલ પટેલ ભાજપના જેન્તી ભાનુશાલીને હરાવી વિજેતા બન્યા. જોકે, છબીલ પટેલ ભાજપમાં આવ્યા એટલે પેટા ચૂંટણી થઈ જેમાં કોંગ્રેસે રાજયકક્ષાના આગેવાન શકિતસિંહ ગોહિલને મેદાનમાં ઉતાર્યા, ભાજપના છબીલ પટેલ તેમની સામે હાર્યા. આ ચૂંટણી બાદ જેન્તી ભાનુશાલી અને છબીલ પટેલ વચ્ચે વેરના બીજ રોપાયા. જે, ૨૦૧૭ માં છબીલ પટેલ કોંગ્રેસના પ્રદ્યુમ્નસિંહ જાડેજા સામે હાર્યા બાદ ભાનુશાલી અને છબીલ વચ્ચે વેરની ગાંઠ મજબૂત થઈ. જોકે, રાજકીય પક્ષ પલટાની વાત કરીએ તો અહીંથી જીતનાર ડો. નીમાબેન આચાર્ય, છબીલ પટેલ અને છેલ્લે હવે પ્રદ્યુમનસિંહ જાડેજા કોંગ્રેસ છોડી ભાજપમાં આવ્યા તો ભાજપના નરેન્દ્રસિંહ જાડેજા ભાજપ છોડી કોંગ્રેસમાં આવ્યા હતા.

(12:08 pm IST)