Gujarati News

Gujarati News

News of Monday, 16th March 2020

ગોંડલ નજીકના ખેતરમાં શરદ ગજેરાએ નંદનવન સર્જયું: ગૌછાણ -ગૌમૂત્રમાંથી ધૂપસળી

એમ.ઇ.નો ઉચ્ચ અભ્યાસ પણ જીવ કુદરતના ખોળે

ગોંડલઃવલ્લભવિદ્યાનગરની BVMમાંથી  બી.ઇ. અને અમદાવાદની એલ.ડી.એન્જીનીયરીંગ કોલેજમાંથી એમ.ઇ.નો અભ્યાસ કરેલા એવા તરવરિયા યુવાન શરદભાઈ ગજેરા ગોંડલની બાજુમાં આવેલા પોતાના ખેતરમાં જૈવિક ખેતી કરે છે અને પ્રયોશા ગૌશાળા ચલાવે છે.

શરદભાઈના ખેતરમાં અલગ જ વાઈબ્રેશનની અનુભૂતિ થાય. પક્ષીઓના અવાજ પણ સંભળાય અને જુદા જુદા જીવ જંતુઓ પણ આંટાફેરા કરતા જોવા મળે. ખેતર જાણે કે જીવંત હોય એવું લાગે.થાક ગાયબ થઈ જાય.

ખેતરમાં જ ગૌશાળા તૈયાર કરી છે. દેશી ગીર ગાય અને ગૌવંશને સંતાનની જેમ સાચવવામાં આવે છે. ગૌશાળા પાસે ગાયે પેશાબ કર્યો ત્યાં હાજર ભાઈએ તુરંત જ દોડીને ગૌમૂત્રને એક વાસણમાં ઝીલી લીધું. ગૌમૂત્રનું શુ કરો ? ના જવાબમાં શરદભાઈએ સમજાવ્યું કે ગાયનું છાણ અને ગૌમૂત્રનો ઉપયોગ કરીને ધૂપસળી બનાવીએ છીએ, આયુર્વેદિક ઔષધિઓ જેવી કે નાગરમોથ, જટામાસી, કપૂર, ગુગળ, ઉપરાંત દેશી ગાયનું દ્યી અને મધ ઉમેરીને હાથે જ ધૂપસળી બનાવવામાં આવે છે. ધૂપસળી રાખવા માટેનું સ્ટેન્ડ પણ માટી અને ગાયના છાણમાંથી જ બને જેથી પર્યાવરણની રક્ષા પણ થાય. કોઈપણ જાતના કેમિકલનો ઉપયોગ કર્યા વગર ઘણી ફ્રેગરન્સમાં એમણે ધૂપસળી બનાવી છે. આ અગરબતી નહીં ધૂપસળી છે એટલે સુગંધ ઓછી અને ધુમાડો વધુ હોય એ સ્વાભાવિક છે પરંતુ વાતાવરણને કોઈ અનોખી ઉર્જાથી ભરી દે છે. એકવખત અગરબતીના બદલે આવી ધૂપસળીનો ઉપયોગ કરીને અનુભવ કરવો જરૂરી છે.

(12:03 pm IST)