Gujarati News

Gujarati News

News of Monday, 16th March 2020

હળવદ યાર્ડમાં હવે ફળોનાં વેંચાણનો પ્રારંભઃ પ્રથમ દિવસે મુહુર્તમાં ૧ કિલો દાડમનાં રૂ.૬૫૧: કેરી, જામફળ લીંબુનું વેંચાણ થશે

હળવદ,તા.૧૬: હળવદ માર્કેટ યાર્ડ ખાતે ફ્રુટની હરરાજીનો પ્રારંભ કરાયો હતો. જેમાં પ્રથમ દિવસે જ ૧૪ હજાર કિલો દાડમની આવક નોંધાઈ છે. જે રૂપિયા ૬૦થી ૮૦ રૂપિયા કિલોના ભાવે દાડમ વેંચાતા ખેડૂતો રાજી રાજી ગયા હતા.

ઝાલાવાડ - મચ્છોકાંઠામાં સતત અગ્રેસર રહેતા હળવદ માર્કેટ યાર્ડમાં અન્ય જિલ્લાઓમાંથી પણ ખેડૂતો પોતાનો વિવિધ પાક વેંચાણ અર્થે લાવતા હોય છે. ત્યારે આજથી ફ્રુટ માર્કેટનો પણ પ્રારંભ કરાતા ખેડૂતોમાં આનંદ છવાયો છે.

પાછલા થોડા વર્ષોથી પંથકના ખેડૂતો બાગાયતી ખેતી તરફ વળ્યા છે. તેમાંય ખાસ કરીને હળવદમાં રપ૦૦ હેકટરમાં ભગવા સિંદુરી દાડમનું વાવેતર કરવામાં આવ્યું છે. જેથી અત્યાર સુધી ખેડૂતોને ખાસ કરીને દાડમનું વેંચાણ કરવા અર્થે અમદાવાદ, ગોંડલ, મોરબી તરફ જવું પડતું હતું પરંતુ હવે ખેડૂતોને હળવદ બેઠા જ માર્કેટ યાર્ડમાં ફ્રુટનું વેચાણ કરી શકે તેવા હેતુ સાથે હળવદ માર્કેટ યાર્ડ દ્વારા આજથી ફ્રુટ બજારનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જેમાં વેપારીએ મુર્હુતનો એક કિલો દાડમનો ભાવ ૬પ૧ ચુકવ્યો હતો. જયારે આજે પ્રથમ દિવસે ૧૪ હજાર કિલો દાડમની આવક નોંધાઈ છે. જે ૬૦થી ૮૦ રૂપિયા કિલોના ભાવે વેચાણ થયું હતું. આજે માર્કેટ યાર્ડ ખાતે ફ્રુટ માર્કેટના પ્રારંભ પ્રસંગે યાર્ડના ચેરમેન રણછોડભાઈ પટેલ, વલ્લભભાઈ પટેલ, મનુભાઈ રબારી, ઈન્દુભા ઝાલા, ચન્દુભાઈ પટેલ, યાર્ડના સેક્રેટરી મહેશભાઈ પટેલ તેમજ યાર્ડના કર્મચારીઓ સહિત મોટી સંખ્યામાં ખેડૂતો- વેપારીઓ હાજર રહ્યા હતા.

ખેડૂતો પાસેથી કમિશન નહીં વસુલાયઃ રણછોડભાઈ પટેલ

મોટા ભાગે ફ્રુટ માર્કેટમાં ખેડૂતો પાસેથી કમિશન લેવામાં આવતું હોય છે પરંતુ હળવદ માર્કેટ યાર્ડ દ્વારા ખેડૂતોના હિતમાં એકપણ ખેડૂત પાસેથી કમિશન નહીં વસુલવામાં આવે તેમજ વેપારીઓને પણ ૩૧ માર્ચ સુધી હળવદ માર્કેટ યાર્ડ યુઝર ચાર્જ નહીં લેવામાં આવે તેમ યાર્ડના ચેરમેન રણછોડભાઈ પટેલે જણાવ્યું હતું.

આગામી દિવસોમાં કેરી, જામફળ, લીંબુ જેવા પાકોનું વેચાણ શરૂ કરાશેઃ મહેશભાઈ પટેલ

હળવદ તાલુકાના ખેડૂતો બાગાયતી ખેતી તરફ વળ્યા છે જેથી કેરી, લીંબુ, જામફળ સહિતના વેંચાણ કરવા અર્થે અન્ય શહેરોમાં જવું પડતું હતું ત્યારે આ તમામ પાકોનું હળવદમાં જ વેંચાણ થઈ શકે તેવા હેતુ સાથે ફ્રુટ ખરીદવાનું શરૂ કરાશે તેમ યાર્ડના સેક્રેટરી મહેશભાઈ પટેલ દ્વારા જણાવાયું છે. (તસવીર-અહેવાલઃ હરીશ રબારી- દિપક જાની.હળવદ)

(11:56 am IST)