Gujarati News

Gujarati News

News of Monday, 16th March 2020

એરપોર્ટ ઉપર થર્મલ સ્કેનરને 'મામા' બનાવવાના ધંધા નહિ આચરવા રવિશંકરની આકરી ચીમકી

જામનગર તા. ૧૬:જિલ્લા કલેકટરશ્રી રવિશંકરે કોરોના વિષયક વ્યાપક અને સંકલિત તકેદારી તમામ સ્તરે લેવાય એ માટે શનિવારે પત્રકાર પરિષદ યોજી હતી.  જેમાં તેમણે જણાવ્યું હતું કે માસ્ક અને સેનેટાઈઝરસનો સરકારે આવશ્યક ચીજવસ્તુઓમાં સમાવેશ કર્યો છે.એટલે તેનો  સંગ્રહ ,નિર્ધારિત કરતા વધુ ભાવે વેચાણ કાયદેસરની કાર્યવાહીને પાત્ર ઠરશે.એનો સ્ટોક જાહેર કરવો પડશે.તેમણે શાળાઓ અને શિક્ષણ સંસ્થાઓને માર્ગદર્શક સૂચનાઓનું પાલન કરવાનું તેમજ ખાનગી અને સરકારી દવાખાનાઓમાં ફ્લૂ કોર્નર બનાવી તાવ,શરદી ખાંસી કફની તકલીફો ધરાવનારાઓની અલાયદી તપાસ કરવા સૂચના આપી હતી. જરૂરિયાતના સંજોગોમાં તાવ વિષયક વિશેષ ૧૦૪ સેવાનો  ઉપયોગ કરવો. તાવ,ખાંસી,કફ,વહેતું નાક,માથા અને ગળાનો દુખાવો, શ્વાસ લેવામાં મુશ્કેલી જેવી તકલીફો જણાય અને ૧ મહિનાના સમયમાં ખાસ વિદેશ પ્રવાસ કરેલ હોય તો સત્વરે તબીબી સારવાર લેવા જણાવાયેલ. આ માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જાહેર કરાયેલા પાંચ નંબરો પર પણ સંપર્ક કરી શકાશે.

શ્રી રવિશંકરે ખાસ અનુરોધ કર્યો હતો કે દ્યણા એજન્ટો એરપોર્ટ પર લોકોને થર્મલ સ્કેનરમાં તાવ ન જાણી શકાય એ માટે પેરાસિટામોલની દવાનો ઉપયોગ કરવાનું જણાવી રહ્યા છે, જે ખૂબ જ ગંભીર બાબત છે, લોકોએ આવી કોઇ બાબતો ના માનવી જોઇએ.

મહાનગર પાલિકાના કમિશનરશ્રી સતિશ પટેલે પણ પાલિકા તંત્ર દ્વારા સતર્કતાના તમામ પગલાં લેવાની વિગતો આપી હતી.

જિલ્લા વિકાસ અધિકારીશ્રી વિપીન ગર્ગ,એડીશ્નલ રેસીડેન્ટ કલેકટરશ્રી રાજેન્દ્ર સરવૈયા પત્રકારો સાથેની વાતચીતમાં ઉપસ્થિત રહેલ.

(11:53 am IST)