Gujarati News

Gujarati News

News of Sunday, 5th May 2024

રાજસમઢીયાળા ગામમાં રાજકીય પક્ષોને પ્રચાર કરવા પર પ્રતિબંધ :મતદાન ના કરનાર ગ્રામજનોને ફટકારાય છે દંડ

- , છેલ્લા 40 વર્ષથી અહીં કોઈ ગુનો નોંધાયો નથી:આ ગામ રાજ્યનું આદર્શ અને સ્વચ્છ ગામ ગણાય છે. ગામમાં 35 વર્ષથી કોઈપણ પક્ષના નેતાઓને મત પ્રચાર કરવા પર પ્રતિબંધ

રાજકોટ :લોકસભા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત થયા છે.મતદાન કરવું એ આપણો અધિકાર છે, પરંતુ ઘણી વખત લોકો મતદાન કરવા નથી જતા. એવામાં રાજકોટનું એક એવુ ગામ કે જ્યાં મતદાન ન કરવાને લઇને કડક નિયમો બનાવવામાં આવ્યા છે.

રાજકોટથી 22 કિમીના અંતરે આવેલા રાજસમઢીયાળા ગામમાં 35 વર્ષથી કોઈપણ પક્ષના નેતાઓને મત પ્રચાર કરવા પર પ્રતિબંધ છે. હજુ પણ આ ગામમાં 95 ટકાથી વધુ મતદાન થયું છે. આ ગામ રાજ્યનું આદર્શ અને સ્વચ્છ ગામ ગણાય છે.  

રાજસમઢીયાળા ગ્રામ પંચાયતે અલગ નિયમો બનાવ્યા છે. આ નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ ગ્રામજનોએ દંડ ભરવો પડશે. જેમાં મતદાન ન કરનાર વ્યક્તિ પર 51 રૂપિયાનો દંડ વસૂલવામાં આવે છે. જો કે ગામમાં આજદીન સુધી એવું થયુ નથી કે કોઇને દંડ ફટકાર્યો હોય. ગામના સૌ કોઇ પોતાની ફરજ નિભાવી જાણે છે. છેલ્લા 11 વર્ષથી એવરેજ 96 ટકા મતદાન ગામમાં નોંધાયુ છે. 4 % મતદારો એવા છે જેમનું નિધન થઈ ગયું હોય અથવા તો દીકરી પરણીને સાસરે જતી રહી હોય. આમ એકંદરે ગામમાં 100 ટકા મતદાન થાય છે.

આ ઉપરાંત અહીંની લોક અદાલત ગ્રામજનો માટે સર્વોચ્ચ અદાલત છે. આ ગામની એક ખાસ વાત એ છે કે, છેલ્લા 40 વર્ષથી અહીં કોઈ ગુનો નોંધાયો નથી. આ ગામ રાજ્યનું આદર્શ અને સ્વચ્છ ગામ ગણાય છે.

   આ મોડેલ ગામમાં પાકા રસ્તા, વીજળી, પાણી માટે આરઓ પ્લાન્ટ, શાળા, હોસ્પિટલ, ક્રિકેટ સ્ટેડિયમ, સીસીટીવી, સોલાર પ્લાન્ટ અને વાઇફાઇ સુવિધાઓ છે. ખાસ વાત એ છે કે આ ગામમાં મોટાભાગના નિર્ણયો લોક અદાલત દ્વારા જ લેવામાં આવે છે. આવું વિશેષ આકર્ષણ ધરાવતા આ ગામને અનેક સન્માનો પ્રાપ્ત થયા છે.

(10:25 pm IST)