Gujarati News

Gujarati News

News of Sunday, 5th May 2024

માતા-પિતાને મરવા મજબુર કરનાર વ્યાજખોરો વિરુદ્ધ ટંકારામાં ફરિયાદ નોંધાવતો પોલીસમેન પુત્ર

છતર ગામે હડાળાના દંપતીએ સજોડે આપઘાત કરી લેવા પ્રકરણમાં ગુન્હો દાખલ

ટંકારા : રાજકોટના હડાળા ગામે રહેતા ખેડૂત દંપતીએ વ્યાજખોરોના ત્રાસથી છતર ગામની સરકારી શાળા પાસે સજોડે ઝેરી દવા પી લેતા તેમના પોલીસમેન પુત્રએ રાજકોટના બે વ્યાજખોરો વિરુદ્ધ ટંકારા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ ગત તા.30 એપ્રિલના રોજ ટંકારા તાલુકાના છતર ગામની સરકારી શાળા નજીક હડાળા ગામે રહેતા નિલેશભાઈ મનસુખભાઇ ખૂંટ અને ભારતીબેન નિલેશભાઈ ખૂંટ નામના દંપતીએ સજોડે ઝેરી દવા પી લેતા બન્નેના મૃત્યુ નિપજ્યા હતા. આ બનાવ પાછળ વ્યાજખોરોના ત્રાસ કારણભૂત હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું હતું.

વધુમાં આ બનાવમાં રાજકોટ શહેર પોલીસ કમિશનર કચેરી ખાતે ફરજ બજાવતા અને 80 ફૂટ રોડ ઉપર ભક્તિ સાનિધ્યમાં રહેતા મૂળ હડાળા ગામના મિલનભાઈ નિલેશભાઈ ખૂંટએ ટંકારા પોલીસ મથકમાં આરોપી અશ્વિન રાવતભાઈ મારું અને માધવ ઇલેક્ટ્રોનિક્સ વાળા દિવ્યેશ આહીર રહે.બન્ને રાજકોટ વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, એક વર્ષ અગાઉ તેમના પિતા નિલેશભાઈને સબમર્શિબલના ધંધામાં ખોટ જતા આરોપી અશ્વિન રાવતભાઈ મારું પાસેથી 4 લાખ રૂપિયા ત્રણ ટકા વ્યાજે લીધા હતા અને આરોપી દિવ્યેશ મારું પાસેથી પણ રૂપિયા 50 હજાર 3 ટકા વ્યાજે લઈ નિયમિત વ્યાજ ચૂકવતા હોવા છતાં બન્ને વ્યાજખોરો ત્રાસ આપતા હતા.

વધુમાં પોલીસમેન પુત્રને આ બાબતની જાણ તેમના પિતા નિલેશભાઈએ કરતા મિલનભાઈએ આરોપીઓ વિરુદ્ધ ગુન્હો નોંધાવવા કહ્યું હતું પરંતુ તેમના પિતા નિલેશભાઈએ વ્યાજખોરોને મકાન વેચીને પણ નાણાં ચૂકવી દેવાનું કહી વ્યાજ ભરવાનું ચાલુ રાખ્યું હતું. જો કે, આમ છતાં વ્યાજખોરોએ ત્રાસ આપતા માતાપિતાએ આ પગલું ભર્યું હોવાનું જાહેર કરતા ટંકારા પોલીસે બન્ને વ્યાજખોરો વિરુદ્ધ આઇપીસી કલમ 306, 506, 507 અને નાણાં ધીરધારની કલમો મુજબ ગુન્હો નોંધાવતા પોલીસે રાજકોટના બન્ને વ્યાજખોરો વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

(11:14 pm IST)