Gujarati News

Gujarati News

News of Monday, 16th March 2020

રાજકોટ કલેક્ટરએ માનવતા મહેકાવી : HIVગ્રસ્ત દંપતીની મફત દવા અને રહેવાની વ્યવસ્થા કરી

દવાનો જથ્થો નિયમિત મળે તે માટે સૂચના આપવા સાથે અંત્યોદય રેશનકાર્ડ બનાવી આપ્યું

રાજકોટ : રાજકોટના જીલ્લા કલેકટરએ માનવતા મહેકાવી છે રાજકોટમાં એક HIVગ્રસ્ત દંપતીનું નાદુરસ્ત તબિયતને કારણે શરીર ક્ષીણ થઈ ગયું હતું. આ દંપતી તેની 6વર્ષની પુત્રી સાથે જીલ્લા કલેક્ટર પાસે પહોંચ્યા હતા અને મદદની માંગ કરી હતી. જીલ્લા કલેકટર દ્વારા તાત્કાલિક પગલા ભરી તમામ વ્યવસ્થા કરી આપી હતી. આ દંપતીને મળતો મફત દવાનો પુરવઠો બંધ થઈ ગયો હતો જે કલેક્ટરે ફરી ચાલુ કરાવી આપ્યો હતો અને પ્રાંત અધિકારીને કહીને રહેવાની વ્યવસ્થા પણ કરી આપી હતી.
   શહેરના ઔદ્યોગિક વિસ્તારમાં રહેતા પતિ-પત્ની કે જે એચઆઈવી પોઝિટિવ છે તેમને મળતો મફત દવાનો જથ્થો કોઇ કારણસર બંધ થયો હતો. શરીર પણ ક્ષીણ થયું, સહાય માટે પ્રયત્નો કર્યા પણ કશું ન થયું તેથી નાસીપાસ થઈ અંતિમ પ્રયાસ કરવા જિલ્લા કલેક્ટર રેમ્યા મોહનને મળવા ગયા હતા.
જીલ્લા કલેકટરને દંપતીએ પોતાની આપવીતી કહેતાં જ કલેક્ટરે આશ્વાસન આપી પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલને દંપતીની જવાબદારી સોંપી હતી તેમજ દંપતીને પોતાનું વિઝિટિંગ કાર્ડ આપ્યું અને પ્રાંત અધિકારીએ પણ તે જ દિવસે દંપતીના નામનુ અંત્યોદય રેશનકાર્ડ બનાવ્યું. જ્યાં નોકરી કરતા હતા ત્યાં રહેઠાણની વ્યવસ્થા કરી આપી તેમજ દીકરીને અભ્યાસ માટે શિક્ષણાધિકારીને જાણ પણ કરી હતી
         દંપતીને દવાનો જથ્થો નિયમિત મળે તે માટે સિવિલમાં પણ સૂચના અપાઈ હતી.  સરકારી સહાય, દસ્તાવેજની જરૂર હોય તે પૂરા કરવા માટે તલાટીને હુકમ કર્યો હતો. દર મહિને ૩૫ કિલો અનાજ મફત મળશે. દંપતિની સમસ્યા એક જ દિવસમાં હલ થઈ ગઈ હતી. જીલ્લા કલેકટર દ્વારા જણાવવામાં આવ્યું હતુકે કોઈ પણ વ્યક્તિ તકલીફ માં હશે તેને યોગ્ય મદદ કરવામાં આવશે.

(11:55 pm IST)