Gujarati News

Gujarati News

News of Friday, 13th March 2020

દર ૧૦ વ્યકિતએ ૧ ને કિડનીની બિમારી

વધી રહેલ કિડનીની બિમારીઓ ચિંતાજનક પણ તે જનજાગૃતિથી અટકાવી શકાય : દરરોજ દોઢ લીટર પાણી પીવુ, નિયમીત કસરત-પુરતી ઉંઘ લ્યો, વજન નિયંત્રણમાં રાખવું: તબીબોની સલાહ લેવી

એક અંદાજપ્રમાણે વિશ્વમાં ૮૫  કરોડ લોકો કિડનીની બિમારીઓથી પિડાય છે. દર દશ વ્યકિતએ એક વ્યકિતને કિડનીની કોનિક બિમારી હોય છે. આ બિમારીઓ દિન-પ્રતિદિન વધતી જાય છે, તેથી લોકોમાં જાગૃતિ કેળવી તેને અટકાવવા માટેના હેતુથી વિશ્વ કિડની દિન દર વર્ષે માર્ચ મહિનાના બીજા ગુરૂવારે ઉજવવામાં આવે છે. આ વર્ષે કિડનીની બિમારીઓનું વહેલાસર નિદાન કરી તથા સમયસર સારવારથી રોગને અટકાવવાનું કહેવામાં આવ્યું છે.

 વિજ્ઞાનની પ્રગતિથી આપણું જીવન આરામદાયક અને સુખ-સગવડતાઓવાળુ જરૂર થયું છે. પરંતુ આપણા કમનશીબે લાઇફ સ્ટાઇલ બિમારીઓ જેવી કે ડાયાબીટીસ, હાઇ-બ્લડપ્રેસર, ઓબેસીટી વગેરેનું પ્રમાણ વધ્યું છે. આ બિમારીઓથી હૃદયરોગ તથા કિડની ફેઇલ્યોર પણ વધી રહયા છે. રાજકોટની બી.ટી.સવાણી કિડની હોસ્પિટલમાં વર્ષ ૨૦૦૪ માં ૭૫૦૦ ડાયાલીસીસ થતા હતા અને વર્ષ ૨૦૧૬ માં ૩૮૦૦૦ થયા છે તે બતાવે છે કે બિમારીનો વ્યાપ કેટલો વધી રહયો છે.

ખુશીની વાત એ છે કે આ બિમારીઓને આપણે અટકાવી શકીએ છીએ.

 (૧) પ્રવાહી વધારે પીવું, દરરોજ આશરે દોઢ લીટર પેશાબ થાય તેટલું પ્રવાહી પીવું. જેમણે તડકામાં કે ગરમીમાં કામ કરવું પડે છે તેણે પ્રવાહી વધારે પીવું. કિડનીની બિમારીઓ હોય તેમણે ડોકટરની સલાહ મુજબ પ્રવાહી પીવું.

(૨) છૂખાવા માટે, એસીડીટી માટે કે બીજી બિમારીઓની બિનજરૂરી દવાઓ ડોકટરની સલાહ સિવાય ન લેવી.

(૩)સામાન્ય રીતે ડાયાબીટીસ, હાઇ-બ્લડ પ્રેસરની બિમારીના કોઈ ચિભો હોતા નથી. ડોકટરની અવારનવાર સલાહથી નિયંત્રણમાં રાખો. નિયમિત કસરત, વિવેકબિુધ્પૂર્વક પોષ્ટીક આહાર, જરૂરી ઉંઘ અને યોગથી ડાયાબીટીસ, હાઇ-બ્લડ પ્રેસર કંટ્રોલ કરી શકાય છે.

 (૪) સ્થૂળતા-જાડાપણું (ઓબેસીટી) સકીય રહી ખોરાકની પરેજી દ્રારા વજન નિયંત્રણમાં રાખવું જોઇએ.

(૫) કિડનીની પથરીઓ કે બીજી બિમારીઓની સમયસર સારવાર કરાવવી જોઇએ અને પથરીઓ ફરી પણ થઇ શકે છે તેથી સમયાંતર ડોકટરની મુલાકાત લેવી જરૂરી છે.

(૬) કિડનીની બિમારીના ચિભો જણાય તો ડોકટરની મુલાકાત લઇ સમયસર નિદાન કરાવી સારવાર કરાવવાથી કિડનીની જીવલેણ બિમારીઓથી બચી શકાય છે.

(૭) જો પેટમાં અવારનવાર છૂખાવો થતો હોય તો એકસ-રે કે સોનોગ્રાફી કરાવી નિદાન કરાવવું, પરંતુ છૂખાવાની દવાઓ અવારનવાર લીધા ન જ કરવી.

(૮) જો કુટુંબમાં કોઇને કિડનીની વારસાગત બિમારીઓ થઇ હોય તો કિડનીના સ્પેશ્યાલિસ્ટ ડોકટરની સમયસર સલાહ લેવી.

(૯)ધુમ્રપાન કે અન્ય વ્યસનો છોડવા જોઇએ. અને નિયમિત કસરત તથા યોગનું વ્યસન કરવું જોઇએ.

(૧૦) આપના પરિવારના સભ્યો કે મિત્રમંડળમાં કિડનીની બિમારીઓ વિષે સમજણ આપી તેમને પણ સમયસર કિડનીની બિમારીઓથી બચવા માહિતગાર કરવા વિનંતિ.

ડો. પ્રદીપ કણસાગરા

પૂર્વ ચેરમેન, બી.ટી. સવાણી કિડની હોસ્પિટલ રાજકોટ

(9:58 am IST)