Gujarati News

Gujarati News

News of Thursday, 12th March 2020

ઈશ્વરમાં મને અતૂટ શ્રદ્ધા છે : અભિનય માટે કોઈ વિશેષ તાલીમ લીધી નથી : અત્યાર સુધીમાં 13 હજારથી વધારે લાઈવ પરફોર્મન્સ આપ્યા છે : ગુજ્જુભાઈ સિદ્ધાર્થ રાંદેરીયાની અમેરિકાની મુલાકાત દરમિયાન શ્રી ભાવિક મોદી સાથે મોકળા મને વાતચીત

ભાવિક મોદી દ્વારા ટેમ્પા : ગુજ્જુભાઈ તરીકે સુવિખ્યાત શ્રી સિદ્ધાર્થ રાંદેરીયાએ અમેરિકાની મુલાકાત દરમિયાન ટેમ્પા મુકામે શ્રી ભાવિક મોદી સાથે મોકળા મને વાતચિત કરતા જણાવ્યું હતું કે ઈશ્વરમાં મને અતૂટ શ્રદ્ધા છે.મેં અભિનય માટે વિશેષ કોઈ તાલીમ લીધી નથી અત્યાર સુધીમાં 13 હજારથી વધારે લાઈવ પરફોર્મન્સ આપ્યા છે.દરેક નાટક ઉપરથી ફિલ્મ બને એવું જરૂરી નથી
શ્રી સિદ્ધાર્થ રાંદેરિયા સાથે શ્રી ભાવિક મોદીની વાતચીતના કેટલાક અંશો.
પ્રશ્ન : તમારા પિતાજી મધુકર રાંદેરીયાજી ગુજરાતી લેખક અને બહુજ સારા સ્ટેજ આર્ટિસ્ટ હતા.એટલે તમને અભિનય વારસામાં મળ્યો છે. કહેવાય છે કે મોરના ઈંડાને ચીતરવા ન પડે.તો શું અભિનય ક્ષેત્રે  તમે કોઈ વિશેષ તાલીમ લીધી છે ?
જવાબ : ના ,અભિનય માટે કોઈ તાલીમ લીધી નથી.બાળપણથી જ સ્ટેજ પર કામ કરતો આવ્યો છું.સ્કૂલમાં હતો ત્યારથી જ નાટકો કરતો હતો.ત્યારબાદ કોલેજમાં ઇન્ટરકોલેજ હરીફાઈમાં ભાગ લીધો.1970-71 થી જેને પ્રોફેશનલ થીએટર કહેવાય તેની સાથે જોડાયેલો છું.એટલે લગભગ 50 વર્ષથી આ કામ કરી રહ્યો છું.
પ્રશ્ન : એની પહેલાની ગુજ્જુભાઈ સિરીઝના તમામ નાટકો ખુબ સફળ થયા હતા.અને ત્યારબાદ તેના પરથી ગુજરાતી ફિલ્મ બની હતી.જે પણ ખુબ સફળ રહી હતી.અત્યારે ગુજ્જુભાઈ બ્લફમાસ્ટર લઈને આવ્યા છો તો શું ભવિષ્યમાં આના પરથી કોઈ ફિલ્મ બનાવવાની યોજના છે?
જવાબ : દરેક નાટક પરથી ફિલ્મ બને તે જરૂરી નથી.એ જે વિષય હતો જેના પરથી મેં ગુજ્જુભાઈ ધ ગ્રેટ ફિલ્મ બનાવી તે વાસ્તવમાં મારો દીકરો છે ઈશાન રાંદેરિયા જેણે ફિલ્મ ડિરેક્શનનો કોર્ષ કર્યો છે.તેને એમ લાગ્યું કે અને પરથી બહુ સારી ફિલ્મ બની શકશે અને આજથી 6 વર્ષ પહેલા જયારે હજુ ગુજરાતી અર્બન ફિલ્મોની શરૂઆત હતી ત્યારે ઈશાને એ ફિલ્મ લખી અને તૈયાર કરી અને ઈશ્વરની કૃપા અને દર્શકોના પ્રેમથી ફિલ્મ ખુબ સફળ થઇ
પ્રશ્ન : અત્યાર સુધીમાં કેટલા દેશોમાં શો કર્યા છે?
જવાબ : મેં મારી કારકિર્દીમાં 13 હજાર કરતા વધારે લાઈવ પરફોર્મન્સ આપ્યા છે.વિદેશોમાં તો ત્યારે એટલું બધું હતું નહીં.મારી અમેરિકાની પહેલી ટુર છેક 1994-95 માં ભાઈ નાટક લઈને આવ્યા હતા ત્યારે થઇ હતી.આમ પણ જયારે વિદેશ એવું છું ત્યારે અઢી ત્રણ વર્ષના ગાળા પછી જ એવું છું.પણ અવશ્ય અમેરિકા ,ઇંગ્લેન્ડ ,ઓસ્ટ્રેલિયા માર્યાદિત સમય માટે જાઉં છું.અને થોડાક શો કરીને પાછો આવી જાઉં છું.સૌથી વધારે શો ગુજરાત અને મુંબઈમાં થાય છે.
પ્રશ્ન : જયારે શો ન હોય ત્યારે નવરાશની પળોમાં શું કરો છો?
જવાબ : બહુ એવો સમય મળતો જ નથી.અને એવું બને ત્યારે મને કંટાળો આવતો હોય છે.એક રીતે મારુ કામ મારા માટે થેરાપી જેવું છે.બધા થાક ઉતારવા માટે કામ પરથી રજા લ્યે જયારે હું રજા લઉં તો થાકી જાવ છું.અને પાછો જેવો કામ કરું તેવો મારો થાક ઉતરી જાય છે.
પ્રશ્ન : કહેવાય છે કે દરેક પુરુષની સફળતા  પાછળ કોઈ સ્ત્રીનો હાથ હોય છે.તમારી સફળતા પાછળ કોનો હાથ છે?
જવાબ માં સરસ્વતી અને  શ્રીનાથજી બાવાની કૃપા છે.મને ઈશ્વરમાં ખુબ શ્રદ્ધા છે.કારણકે જરૂરિયાતના સમયે તમને સાચું સુઝાડવુ અને કંઈક એવું કરવું જેનાથી કાર્ય સફળ બની શકે નાટક એવી લાઈન છે કે દરેક નવા નાટકથી તમારી શરૂઆત થાય છે.તમે પાછળ નાટકોની સફળતાથી મેળવેલી ખ્યાતિ પર આધારિત રહી શકો નહીં દરેક વખતે તમારે નવી શરૂઆત કરવાની હોય છે.
અસ્તુ 

(1:05 pm IST)