Gujarati News

Gujarati News

News of Sunday, 5th May 2024

પંજાબથી સતત 5 હાર બાદ ચેન્નાઈ જીત્યું: છેલ્લી મેચનો હિસાબ બરાબર કર્યો : જાડેજાએ 43 રન ફટકાર્યા અને 3 વિકેટ પણ લીધી

ચેન્નાઈ સુપર કિંગ્સે પંજાબ કિંગ્સને 28 રનથી હરાવ્યું: ચેન્નાઈએ 167 રન બનાવ્યા:જવાબમાં પંજાબની ટીમ 20 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને 139 રન બનાવી શકી : રવિન્દ્ર જાડેજાનું ઓલરાઉન્ડર પ્રદર્શન

ચેન્નાઈ સુપર કિંગ્સે IPL-2024ના પ્લેઓફ માટે પોતાની આશા મજબૂત કરી છે. ટીમે વર્તમાન સિઝનની 53મી મેચમાં પંજાબ કિંગ્સને 28 રનથી હરાવ્યું હતું. પંજાબ સામે સતત પાંચ હાર બાદ ચેન્નાઈની આ પ્રથમ જીત છે. આ જીત સાથે CSK પોઈન્ટ ટેબલમાં ત્રીજા સ્થાને આવી ગઈ છે. ચેન્નાઈના 11 મેચ બાદ 12 પોઈન્ટ છે.

  રવિવારે ધર્મશાલા મેદાનમાં પંજાબે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ચેન્નાઈએ 20 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને 167 રન બનાવ્યા હતા. જવાબમાં પંજાબની ટીમ 20 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને 139 રન બનાવી શકી હતી. રવિન્દ્ર જાડેજાએ બેવડું પ્રદર્શન કર્યું હતું. તેણે 26 બોલમાં 43 રનની ઇનિંગ રમી હતી. આટલું જ નહીં તેણે 3 વિકેટ પણ લીધી હતી. આ પ્રદર્શન માટે જાડેજાને પ્લેયર ઓફ ધ મેચ પસંદ કરવામાં આવ્યો હતો.

   ચેન્નાઈ તરફથી રવિન્દ્ર જાડેજાએ સૌથી વધુ 43 રન બનાવ્યા હતા. CSKનો પૂર્વ કેપ્ટન એમએસ ધોની પહેલા જ બોલ પર બોલ્ડ થયો હતો. તેને હર્ષલ પટેલે આઉટ કર્યો હતો. ઋતુરાજ ગાયકવાડે 32 અને ડેરીલ મિશેલે 30 રન બનાવ્યા હતા. મોઈન અલી અને શાર્દુલ ઠાકુરે 17-17 રનનું યોગદાન આપ્યું હતું. પંજાબ તરફથી રાહુલ ચહર અને હર્ષલ પટેલે 3-3 વિકેટ લીધી હતી 

    ટાર્ગેટનો પીછો કરતી વખતે પંજાબ તરફથી ઓપનર પ્રભસિમરન સિંહે સૌથી વધુ 30 રન બનાવ્યા હતા. તેના સિવાય શશાંક સિંહે 27 રનની ઇનિંગ રમી હતી. ચેન્નાઈ તરફથી રવિન્દ્ર જાડેજાએ 3 વિકેટ લીધી હતી. તુષાર દેશપાંડે અને સિમરજીત સિંહે 2-2 વિકેટ લીધી હતી. શાર્દુલ ઠાકુર અને મિશેલ સેન્ટનરને 1-1 વિકેટ મળી હતી.

(9:56 pm IST)