Gujarati News

Gujarati News

News of Sunday, 5th May 2024

અભિનેત્રી અને ભાજપના ઉમેદવાર કંગના રણૌતની જીભ લપસીઃ બિહારના દિગ્‍ગજ નેતા તેજસ્‍વી યાદવને ભુલથી તેજસ્‍વી સૂર્યા સમજીને શાબ્‍દીક પ્રહારો કર્યા

વીડીયો વાયરલ થયા બાદ તેજસ્‍વી યાદવે ખુલાસો કર્યો

નવી દિલ્‍હીઃ  લોકસભા ચૂંટણીના જોરદાર પ્રચારનો દોર ચાલુ છે. આ દરમિયાન હિમાચલ પ્રદેશની મંડી લોકસભા સીટ પરથી ભાજપના ઉમેદવાર અને અભિનેત્રી કંગના રણૌતનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં તેમની જીભ લપસી ગઇ હતી અને આ દરમિયાન તેમણે બિહારના દિગ્ગજ નેતા તેજસ્વી યાદવને ભૂલથી તેજસ્વી સૂર્યા સમજી લીધા અને તેમના પર શાબ્દિક પ્રહારો કરી દીધા. 

માહિતી અનુસાર એક જાહેર સભાને સંબોધતા કંગના રણૌતે કહ્યું કે, "તેજસ્વી સૂર્યા ગુંડાગર્દી કરે છે અને ફીશ ખાય છે." ઉલ્લેખનીય છે કે ભાજપના નેતા  તેજસ્વી સૂર્યા બેંગલુરુ દક્ષિણથી સાંસદ છે. વીડિયો વાયરલ થયા બાદ તેજસ્વી યાદવે પણ કટાક્ષમાં કહ્યું કે આ મોહતરમા કોણ છે...

કંગના રણૌતે  સોશિયલ મીડિયા પર શેર કરેલા એક વીડિયોનો ઉલ્લેખ કરી રહી હતી જેમાં તેજસ્વી યાદવ હેલિકોપ્ટરમાં ફીશ ખાતા જોવા મળ્યા હતા. વીડિયોને કારણે વિવાદ થયો હતો કેમ કે ઘણા યુઝર્સે દાવો કર્યો હતો કે તે નવરાત્રીના તહેવાર દરમિયાન આ વસ્તુ ખાઈ રહ્યા હતા. આ હિન્દુ તહેવાર દરમિયાન, ભક્તો ઉપવાસ કરે છે અને શાકાહારી આહારનું પાલન કરે છે.

જોકે વીડિયો પર ટીકાઓનો સામનો કર્યા પછી પૂર્વ નાયબ મુખ્યમંત્રી તેજસ્વી યાદવે સ્પષ્ટતા જારી કરી હતી. તેમણે એ જણાવતા કે તેમની આ પોસ્ટ 8 એપ્રિલની હતી જે નવરાત્રિ શરૂ થવાના એક દિવસ પહેલાની હતી. તેના પર યાદવે કહ્યું કે આ વીડિયો ભાજપના આઈક્યૂ ચકાસવા માટે અપલોડ કરવામાં આવ્યો હતો. અમે અમારી વિચારોમાં સાચા સાબિત થયા. 

(2:17 pm IST)