Gujarati News

Gujarati News

News of Sunday, 5th May 2024

ગરમી વધતાં ઠંડા ઠંડા નાળિયેર પાણીના ભાવમાં પણ વધારો

૪૦થી ૫૫ રૂપિયામાં મળતું નાળિયેર પાણી પીવા માટે હવે નાગરિકોએ ૬૦થી ૮૦ રૂપિયા ખર્ચ કરવા પડે છે

મુંબઈ, તા. ૫ : બળબળતા ઉનાળામાં ઠંડક મેળવવા માટે લોકો લીંબું પાણી, શેરડીનો રસ અને નારિયલ પાણી જેવા દેસી ઠંડા પીણાનું સેવન કરે છે. પરંતુ હવે નાળિયેરની આવક ઘટી જવાને કારણે તેની કિંમતમાં પણ ૨૦થી ૨૫ રૂપિયાનો વધારો જોવા મળ્‍યો છે. પરિણામે હવે ૪૦થી ૫૫ રૂપિયામાં મળતું નાળિયેર પાણી પીવા માટે હવે નાગરિકોએ ૬૦થી ૮૦ રૂપિયા ખર્ચ કરવા પડે છે.

નાળિયેર પાણી આરોગ્‍ય માટે ખૂબ જ આરોગ્‍યદાયી છે અને એના સેવનથી હીટ સંબંધિત સમસ્‍યામાં રાહત મળે છે. દર્દીઓને નાળિયેર પાણી પીવડાવવાની સલાહ ડોક્‍ટર દ્વારા આપવામાં આવે છે. જેને કારણે નાળિયેર પાણીની આખું વર્ષ માંગણી રહે છે. હવામાનમાં થયેલાં ફેરફારને કારણે નાળિયેરની આવકમાં ઘટાડો થયો હોવાની માહિતી મુંબઈના એક ફેરિયા દ્વારા આપવામાં આવી હતી.

રેલવે સ્‍ટેશન, બજાર, ઓફિસ વિસ્‍તારમાં મોટા પ્રમાણમાં નાળિયેર પાણી વેચતા ફેરિયાઓ જોવા મળે છે. ઉનાળામાં લોકો ઠંડા પીણા પીવાનું વધારે પસંદ કરે છે. લીંબુ પાણી, છાશ, લસ્‍સી, કોકમ શરબત, ફ્રુટ જ્‍યુસ જેવા ઠંડા પીણા વધુ પ્રમાણમાં પીવે છે. તેમ છતાં મુંબઈગરા આરોગ્‍યવર્ધક પીણા તરીકે નાળિયેર પાણીને વધારે પસંદ કરે છે.હવામાનમાં આવેલા પરિવર્તનને કારણે આવકમાં ઘટાડો જોવા મળ્‍યો છે. જેને કારણે નાળિયેરની કિંમતમાં ૨૦થી ૨૫ રૂપિયાનો વધારો થયો છે. આંધ્ર પ્રદેશ, કેરળથી મુંબઈમાં મોટા પ્રમાણમાં નાળિયેરની આવક થાય છે. પરંતુ છેલ્લાં કેટલાક દિવસથી આંધ્રા પ્રદેશ, કેરળથી નાળિયેરની આવકમાં ઘટાડો જોવા મળ્‍યો હોવાની માહિતી એક નાળિયેર પાણી વેચતા ફેરિયાએ આપી હતી.

(3:23 pm IST)