Gujarati News

Gujarati News

News of Sunday, 5th May 2024

મતદાનના બે દિવસ પહેલા બંગાળમાં ખળભળાટ, ૧૬ બોમ્બ મળ્યા

બોમ્બ બનાવવા માટેના મસાલા પણ મળી આવ્યા છે

કોલકતા, તા. ૫ : ચૂંટણીના ત્રીજા તબક્કાના બે દિવસ પહેલા ચૂંટણી હિંસા માટે કુખ્યાત મુર્શિદાબાદના વિવિધ વિસ્તારોમાં સ્મશાન, શાળાઓ, આઈસીડીએસ કેન્દ્રો અને રમતના મેદાનોમાંથી અનેક બોમ્બ મળી આવ્યા છે. બોમ્બ બનાવવા માટેના મસાલા પણ મળી આવ્યા છે. શનિવારે આ વિસ્તારમાં ભારે હંગામો થયો હતો. બોમ્બ નિષ્ક્રિય કરવા માટે બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડને જાણ કરવામાં આવી હતી. પરંતુ ચૂંટણી પહેલા મુર્શિદાબાદ કેન્દ્રના વિવિધ વિસ્તારોમાંથી બોમ્બ મળી આવતા વહીવટીતંત્ર ચિંતિત છે.

ફરજીપાડા વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધરાયું

પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, શનિવારે સવારે પોલીસે રાયપુરના ખિદીરપાડા સ્મશાનભૂમિ અને ડોમકલના નિશ્ચિંતપુર ફરજીપાડા વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું જ્યાંથી ૧૬ બોમ્બ મળી આવ્યા હતા. પોલીસે જણાવ્યું હતું કે નાયલોનની બેગમાં પ્લાસ્ટિકની ડોલમાં સોકેટ બોમ્બ અને બોમ્બ બનાવવાનો મસાલો રાખવામાં આવ્યો હતો.

બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડને બોલાવવામાં આવી હતી

ICDS કેન્દ્રની પાછળ પ્લાસ્ટિકની થેલીઓમાં ભરેલા બોમ્બ મળી આવ્યા હતા. તે વિસ્તારોમાં પોલીસ દળો તૈનાત કરવામાં આવ્યા હતા અને બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડને બોલાવવામાં આવી હતી. બોમ્બ મળવાની ઘટનાથી સામાન્ય નાગરિકોમાં ગભરાટ ફેલાયો છે. ત્રીજા તબક્કામાં મંગળવારે મુર્શિદાબાદ જિલ્લાની જાંગીપુર અને મુર્શિદાબાદની બે બેઠકો અને પડોશી જિલ્લામાં માલદા ઉત્તર અને દક્ષિણ બેઠકો પર મતદાન થશે. આ બેઠકો પર ચૂંટણી પ્રચાર રવિવારે સાંજે બંધ થઈ જશે.

(1:41 pm IST)