Gujarati News

Gujarati News

News of Monday, 16th March 2020

અમદાવાદમાં હેલ્મેટ વગરના વાહનચાલકો સામે પોલીસની તવાઈ : માત્ર છ દિવસમાં 34 લાખ રૂપિયાનો દંડ વસુલ્યો

શહેરના અલગ અલગ વિસ્તારોમાં ટ્રાફિક ડ્રાઇવનું આયોજન

અમદાવાદ :શહેરમાં ટ્રાફિક પોલીસે હેલ્મેટ વગર વાહન ચલાવતાં વાહનચાલકો સામે તવાઈ બોલાવી હતી શહેરના અલગ અલગ વિસ્તારોમાં ટ્રાફિક ડ્રાઇવનું આયોજન કર્યું હતું જેમાં હેલ્મેટ પહેર્યા વગર વાહન ચલાવતાં વાહનચાલકો સામે દંડાત્મક કાર્યવાહી કરી હતી 11 માર્ચથી શરુ કરવામાં આવેલ આ ડ્રાઈવ 15મી માર્ચ સુધી કરી હતી. જેમાં શહેરના અલગ અલગ વિસ્તારોમાં સવાર-સાંજ પોલીસ દ્વારા ડ્રાઈવ કરીને હેલ્મેટ વિના વાહન ચલાવતા વાહનચાલકોને દંડ આપવામાં આવ્યો હતો.

  માત્ર 6 દિવસમાં જ પોલીસે હેલ્મેટ વગર વાહન ચલાવતા 6800 વાહનચાલકોને રૂપિયા 34 લાખ જેટલો દંડ ફટકાર્યો છે. આ પહેલા પોલીસે રોંગ સાઈડ વાહન ચલાવતા વાહનચાલકો સામે કાર્યવાહી કરી હતી. જેમાં પોલીસે 900 જેટલા વાહનચાલકોને 15 લાખ રુપિયા જેટલો દંડ ફટકાર્યો હતો. એટલું જ નહીં પોલીસ દ્વારા લગભગ 260 વાહનચાલકોના લાઈસન્સ રદ કરવા માટેની પણ કાર્યવાહી હાથ ધરી છે.
  શહેર પોલીસ દ્વારા હેલ્મેટ વગર વાહન ચલાવતા વાહનચાલકો સામેની ડ્રાઈવમાં મોટાભાગના વાહનચાલકો રિવરફ્રન્ટ પર હેલ્મેટ કર્યા વગર જ નીકળતા હોવાનું નજરે પડ્યું છે. આવનારા સમયમાં પણ પોલીસ દ્વારા શહેરના જે એન્ટ્રી પોઈન્ટ છે ત્યાં આ પ્રકારની ડ્રાઇવ નું આયોજન કરવામાં આવશે. ઉપરાંત શહેરમાં કેટલીક જગ્યાએ ફરીથી કેટલાક લોકોએ દબાણ કર્યું હોવાનું જાણવા મળતા પોલીસ દ્વારા હવે તેઓની સામે પણ કાર્યવાહી કરવામાં આવશે.

(11:24 pm IST)