Gujarati News

Gujarati News

News of Monday, 16th March 2020

વિધાનસભાની સાથે સાથે...

જુદા જુદા વિષયો ઉપર માહિતી અપાઈ

અમદાવાદ, તા. ૧૬ : ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર હાલમાં ચાલી રહ્યું છે. બજેટ સત્ર દરમિયાન જુદા જુદા વિષયો પર પૂછાયેલા પ્રશ્નો બાદ સંબંધિત વિભાગોના મંત્રીઓ દ્વારા પુરતી માહિતી આપવામાં આવી છે. વિધાનસભામાં પ્રશ્નોત્તરી નીચે મુજબ છે. આજે આંગણવાડી કેન્દ્રો, અરવલ્લી જિલ્લાના પ્રશ્નો, કપડવંજ તાલુકાના કામો સહિતના મુદ્દા ઉપર રજૂઆતો થઇ હતી. વિધાનસભાની સાથે સાથે નીચે મુજબ છે.

મહેસાણામાં તમામ આંગણવાડી કેન્દ્રો વિજ સુવિધાથી સજ્જ

વિધાનસભા ગૃહમાં આંગણવાડી કેન્દ્રોના વીજ કનેકશન સંબંધી પૂછાયેલ પ્રશ્નનો ઉત્તર આપતા મહિલા અને બાળ કલ્યાણ મંત્રી વિભાવરીબેનએ જણાવ્યું હતું કે, તા.૩૧/૧૨/૨૦૧૯ની સ્થિતિએ મહેસાણા જિલ્લાની તમામ ૧૭૯૬ આંગણવાડીઓ વીજ કનેકશનની સુવિધાથી સજ્જ છે. મંત્રી વિભાવરીબેન દવેએ પૂછાયેલા પુરક પ્રશ્નનો પ્રત્યુત્તર આપતા જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર આંગણવાડી બહેનો માટે સંવેદનશીલ છે. રાજ્ય સરકારે તાજેતરમાં જ રાજ્યની ૫૩ હજાર આંગણવાડી બહેનોના માનદ વેતનમાં વધારો પણ કર્યો છે. મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા નવી આંગણવાડીને ટ્યુબલાઇટ, પંખા જેવી સુવિધા પૂરી પાડવા સહાય આપવામાં આવે છે. જ્યારે પોતાનું મકાન ધરાવતા આંગણવાડી કેન્દ્રને વીજ સુવિધા માટે રાજ્ય સરકાર દ્વારા ૧૦૦ ટકા સહાય ચૂકવવામાં આવે છે.

પંચમહાલમાં બે હજાર આંગણવાડીમાં ગેસ કનેક્શન

વિધાનસભા ગૃહમાં આંગણવાડી કેન્દ્રોના ગેસ કનેકશન વિષયે પૂછાયેલા પ્રશ્નનો ઉત્તર આપતા મહિલા અને બાળ કલ્યાણ મંત્રી વિભાવરીબેન દવેએ કહ્યું હતું કે, પંચમહાલ જિલ્લાની બે હજાર આંગણવાડીઓ ગેસ કનેકશન ધરાવે છે, એટલે કે આ તમામ આંગણવાડીઓ ધુમાડારહિત બની છે. મંત્રી વિભાવરીબેન દવેએ પૂછાયેલ પૂરક પ્રશ્નના પ્રત્યુત્તર આપતા જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર આંગણવાડીની બહેનો માટે સંવેદનશીલ છે. આંગણવાડીમાં ગેસ કનેકશન હોવાથી ભોજનનાં પોષક તત્વો જળવાઇ રહે તે રીતે બહેનો રસોઇ બનાવી શકે છે. જેથી સમયની બચત થવાથી શિક્ષણ કાર્યમાં વધુ સમય ફાળવી શકે છે. મંત્રીએ વધુમાં ઉમેર્યુ કે, આંગણવાડીઓને રાજ્ય સરકાર દ્વારા પંચમહાલના સાત તાલુકામાં તાલુકા દીઠ ગેસ એજન્સીઓ મંજૂર કરવામાં આવી છે. આ મંજૂર ગેસ એજન્સીઓ થકી આંગણવાડીઓને ગેસ કનેક્સન પૂરા પાડવામાં આવે છે.

વિવિધ લાકડાના વેચાણથી ૧૦ લાખથી વધુની આવક

છેલ્લા બે વર્ષમાં એટલે કે તા.૩૧મી ડિસેમ્બર ૨૦૧૯ની સ્થિતિએ અરવલ્લી જિલ્લામાં કપાયેલા વિવિધ લાકડાના વેચાણ થકી રાજ્ય સરકારને ૧૦.૫૩ લાખની આવક થઇ છે એમ અરવલ્લી જિલ્લામાં વૃક્ષો અંગે વિધાનસભા ગૃહમાં પૂછાયેલા પ્રશ્નનો પ્રત્યુત્તર આપતા વન રાજ્ય મંત્રી રમણ પાટકરે જણાવ્યું હતું. મંત્રીએ ગૃહમાં વધુ વિગતો આપતાં કહ્યું હતું કે, અરવલ્લી જિલ્લામાં વર્ષ ૨૦૧૮-૧૯માં ૬૪૩ તેમજ વર્ષ ૨૦૧૯-૨૦માં તા.૩૧ ડિસેમ્બર ૨૦૧૯ની સ્થિતિએ કુલ ૪૯૨ વૃક્ષો કાપવામાં આવ્યા છે, જેમાં ગુલમહોર, લીમડા, સીરસ, કાસીદ, દેશી બાવળ, અરડુસા, શુબાવળ, આમલી, ગરમાળો, નીલગીરી જેવા વૃક્ષોનો સમાવેશ થાય છે. વર્ષ ૨૦૧૮-૧૯માં ઇમારતી લાકડાંનો ૮૩.૮૮૭ ઘનમીટર તેમજ જલાઉ લાકડાનો ૮.૮૫ ક્વિન્ટલનો જથ્થો ઉપલબ્ધ થયો છે. જ્યારે વર્ષ ૨૦૧૯-૨૦૨૦માં ૬૦.૭૭૩ ઘનમીટર ઇમારતી લાકડાનો તેમજ ૧૫૮૮.૩૦ ક્વિન્ટલ જલાઉ લાકડાનો જથ્થો ઉપલબ્ધ થયો છે તેમ પણ મંત્રીએ ગૃહમાં ઉમેર્યું હતું.

કપડવંજ તાલુકામાં ૮૦૮ લાખના કામો પૂર્ણ

પંચાયત રાજ્ય મંત્રી જયદ્રથસિંહ પરમારે જણાવ્યું છે કે, કપડવંજ તાલુકામાં ૧૪ માં નાણા પંચ અંતર્ગત ૮૦૮ લાખના ૬૧૪ વિકાસ કામો પૂર્ણ કરાયા છે. વિધાનસભા ખાતે કપડવંજ તાલુકામાં ૧૪ માં નાણાપંચની બેઝિક ગ્રાન્ટના પ્રશ્નના પ્રત્યુત્તરમાં મંત્રી પરમારે કહ્યું કે, ૧૪ માં નાણાપંચ હેઠળ જે ૬૧૪ કામો કરાયા છે એમાં પીવાના પાણી, કોમ્યુનિટી એસેટ્સ, કબ્રસ્તાન, સ્ટોર્મ વોટર લાઇન, રસ્તા બાંધકામ, મેઈન્ટેનન્સ, ફૂટપાથ બાંધકામ, આંગણવાડી કેન્દ્ર સહિતના વિવિધ વિકાસ કામો હાથ ધરીને પૂર્ણ કરાયા છે. જિલ્લા કક્ષાએ આ કામોના મોનીટરીંગ માટે જિલ્લા વિકાસ અધિકારીના અધ્યક્ષ સ્થાને જિલ્લા મોનિટરિંગ કમિટીની રચના કરવામાં આવી છે, જેમાં ગ્રામપંચાયત દ્વારા રજૂ કરાયેલા કામોની સમીક્ષા અને પ્રગતિની પણ સમીક્ષા કરવામાં આવે છે તેમ તેમણે ઉમેર્યું હતું.

(9:48 pm IST)