Gujarati News

Gujarati News

News of Monday, 16th March 2020

રાજીનામુ આપનાર પાંચેય ધારાસભ્યો સસ્પેન્ડ કરાયા

બળવો કરનાર સભ્યો કોંગ્રેસમાંથી સસ્પેન્ડ થયા : કોંગ્રેસ પાર્ટી દ્વારા અસંતુષ્ટ સભ્યો સામે આક્રમક કાર્યવાહી

અમદાવાદ,તા. ૧૬ : રાજ્યસભાની ચૂંટણી પહેલાં રાજીનામું આપનારા પાંચ ધારાસભ્યોને ગુજરાત કોંગ્રેસે તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દીધા છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ અમિત ચાવડાએ અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા, લીંબડીના ધારાસભ્ય સોમા ગાંડા પટેલ, ધારીના ધારાસભ્ય જે.વી.કાકડિયા, ગઢડાના ધારાસભ્ય પ્રવીણ મારૂ અને ડાંગના ધારાસભ્ય મંગળ ગાવિતને સસ્પેન્ડ કરવાની જાહેરાત કરી હતી. કોંગ્રેસ પક્ષ દ્વારા લેવાયેલા આકરા શિક્ષાત્મક નિર્ણયને પગલે કોંગ્રેસમાં પણ બળવાખોર ધારાસભ્યોમાં ભારે ચકચાર મચી ગઇ હતી. તમામ ઘટનાક્ર્મ વચ્ચે બીજીબાજુ, ચૂંટણી પંચ દ્વારા ભાજપના ત્રણ અને કોંગ્રેસના બે ઉમેદવારોના રાજયસભાની ચૂંટણી માટે ભરાયેલા ફોર્મ માન્ય રાખ્યા હતા.

          રાજયસભાની ચૂંટણીને લઇ ફરી એકવાર ગુજરાતમાં રાજકીય હાઇવોલ્ટેજ ડ્રામા સર્જાયો છે. એક રીતે કોંગ્રેસ પક્ષ દ્વારા આજના બાગી ધારાસભ્યોને સસ્પેન્શનના નિર્ણય મારફતે સાફ સંદેશો વહેતો કરાયો હતો કે, કોંગ્રેસ પક્ષ કોઇપણ સંજોગોમાં પાર્ટી પ્રતિ ગદ્દારી અને તેની ગરિમાનું હનન થાય તે વાત સાંખી લેશે નહી. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ તરફથી જણાવાયું હતું કે, ધારાસભ્યપદેથી રાજીનામું આપનારાઓએ પક્ષની અવહેલના કરી છે. બદલ તેમને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે, રાજયસભાની ચૂંટણી પહેલાં કોંગ્રેસના ગઢમાં ભાજપે મોટા ગાબડા પાડી દીધા છે. એટલે કે, ભાજપ તડજોડની તેની કૂટનીતિમાં ફરી એકવાર સફળ થયુ છે અને કોંગ્રેસના એક, બે નહી પરંતુ પાંચ ધારાસભ્યોએ રાજીનામા આપી દીધા છે.

         આજે વિધાનસભા ગૃહમાં અધ્યક્ષ દ્વારા તેની સત્તાવાર જાહેરાત પણ કરાઇ હતી. ધારાસભ્યો સાથે વિપક્ષના નેતા પરેશ ધાનાણી સહિતના કોંગ્રેસના કેટલાક નેતાઓ પણ જયપુર જઈ રહ્યા છે, જ્યાંથી કેટલાક ધારાસભ્યઆગેવાનો દિલ્હી હાઈકમાન્ડને મળવા જશે. આજે અમદાવાદ એરપોર્ટથી બ્રિજેશ મેરજા, મહેશ પટેલ, કાંતિ ખરાડા, ગ્યાસુદીન શેખ, ઇમરાન ખેડાવાલા, વિરજી ઠુંમર, અશ્વિન કોટવાલ, ગુલાબસિંહ રાજપૂત અને ભરતજી ઠાકોર સહિતના અન્ય ધારાસભ્યો જયપુર જવા રવાના થઇ ગયા હતા. કોંગ્રેસ તેના ૪૦થી વધુ ધારાસભ્યોને જયપુર મોકલ્યા છે. જેમાં ત્રીજા તબક્કામાં પણ અન્ય ધારાસભ્યોને જયપુર મોકલવામાં આવ્યા હતા. કોંગ્રેસના ધારાસભ્યો અજીતસિંહ ચૌહાણ, રાજેશ ગોહિલ, રૂત્વિજ મકવાણા, પુનમભાઈ પરમાર, હર્ષદ રિબડીયા, બળદેવજી ઠાકોર, ઈન્દ્રજીતસિંહ, લાખા ભરવાડ, ચંદનજી ઠાકોર, નાથાભાઈ પટેલ, ચિરાગ કાલરિયા, હિંમતસિંહ પટેલ, ગેનીબેન ઠાકોર, કાંતિ પરમાર, કનુ બારીયા, શિવા ભુરીયા, પ્રવિણ મુછડિયા,મહેશ પટેલ, રાજેન્દ્ગસિંહ ઠાકોર, ચંદ્રીકા બારિયા, ભાવેશ કટારા, કિરીટ પટેલ, મધુબેન રાઠોડ, ભરત ઠાકોર, લલિત વસોયા,સી.જે. ચાવડા, વિમલ ચુડાસમા, કાંતિ ખરાડી, પ્રવિણ મારૂ, જશુ પટેલ, નૌશાદ સોલંકી, જશપાલ ઠાકોર, બાબુ વાળા, આનંદી ચૌધરી, મોહનલાલ વાળા, વજેસિંહ પણદા જયપુરના શિવ વિલાસ રિસોર્ટમાં પહોંચ્યા છે.

(8:52 pm IST)