Gujarati News

Gujarati News

News of Monday, 16th March 2020

સુરતમાં ૪૪ વર્ષીય બ્રેનડેડ યુવકના હૃદય, કિડની, લીવર અને આંખના દાનથી પ વ્‍યકિતને નવજીવન

સુરત: સુરતમાંથી 32માં હૃદયનું દાન કરવામાં આવ્યું છે. સુરતના 44 વર્ષીય બ્રેનડેડ યુવકનાં હૃદય, કિડની, લિવર અને આંખોનુ દાન કરીને યુવકે પાંચ નવા લોકોને નવજીવન આપ્યું છે. યુવકનાં હૃદયને સુરતથી 100 મિનિટમાં મુંબઇ ખાતે પહોંચાડીને મહિલામાં પ્રત્યાર્પણ કરવામાં આવ્યું હતું. ભેસ્તાનના સિદ્ધાર્થનગરમાં રહેતા બિપીન રઘુભાઇ પ્રધાન (ઉ.વ 44) પરિવાર સાથે રહેતા હતા. 9 તારીખે તે ઘરે જમવા માટે આવ્યા ત્યારે અચાનક તેને બેચેની વર્તાતા હોસ્પિટલ લઇ જવાયા હતા. નિદાન માટે સીટી સ્કેન કરતા જમણીબાજુના નગરની નસો ફાટી જવાને કારણે મગજમાં લોહીનો ગઠ્ઠો જામી ગયો હોવાનું નિદાન થયું હતું. દરમિયાન 13 માર્ચના રોજ તેને બ્રેઇનડેડ જાહેર કરાયો હતો.

જો કે બ્રેઇન ડેડ જાહેર કરાયેલ બિપીનભાઇ પરિવાર સાથે રહેતા હતા. ગત 9 માર્ચે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. બિપીનના પરિવારને જણાવ્યું કે, અમે ખુબ જ ગરીબ પરિવારના છીએ. જીવનમાં બીજી કોઇ વસ્તું તો દાન કરી શકીએ તેમ નથી. જો કે અમારા પિતાજીનું મૃત્યુ નિશ્ચિત છે ત્યારે અમે અંગદાન માટે સંમતી આપીએ છીએ. પરિવારની સંમતી બાદ મુંબઇ ખાતે મોકલાયું હતું. સુરતની કિરણ હોસ્પિટલથી મુંબઇની સર એચ.એન રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલ સુધીનું 298 કિલોમીટરનું અંતર 100 મિનિટમાં કાપવામાં આવ્યું હતું. હૃદયનું ટ્રાન્સપ્લાન્ટ એક મહિલામાં કરવામાં આવ્યું હતું. 26 વર્ષીય મહિલામાં આઠ વર્ષથી હૃદયની તકલીફ હતી. છેલ્લા ત્રણ વર્ષથી હૃદયનું પમ્પીંગ 10-15 ટકા હતું.

કિડની 46 વર્ષીય મહિલાને ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવી હતી. જ્યારે લિવર 50 વર્ષીય અમદાવાદી વ્યક્તિમાં કરવામાં આવ્યું હતું. કિરણ હોસ્પિટલ સુરતથી 17 કિલોમીટરનો ગ્રીન કોરિડોર બનાવવામાં આવ્યું હતું. અમદાવાદ IKDRC હોસ્પિટલ સુધીનાં 256 કિલોમીટરનો માર્ગ ગ્રીનકોરિડોર બનાવવામાં આવ્યો હતો. સુરત શહેર પોલીસ, સુરત ગ્રામ્ય, ભરૂચ, બરોડા, આણંદ અને અમદાવાદ પોલીસ દ્વારા ગ્રીન કોરિડોરનું નિર્માણ કરવામાં આવ્યું હતું.

(5:10 pm IST)