Gujarati News

Gujarati News

News of Monday, 16th March 2020

ભાજપ ત્રણ બેઠકો જીતવાથી એક જ મત દૂર હોવાની ચર્ચા

રાજ્યસભા ચૂંટણી ફરી હાઈવોલ્ટેજ ડ્રામા સર્જી શકે : કોંગીનો એક ઉમેદવાર હારે તેવી રાજકીય વર્તુળોમાં ચર્ચા ભાજપના ત્રીજા ઉમેદવાર નરહરિ અમીન જીતે તેવી વકી

અમદાવાદ,તા. ૧૫  : રાજયસભાની ચૂંટણીને લઇ ફરી એકવાર ગુજરાતના રાજકારણમાં હાઇવોલ્ટેજ ડ્રામા સર્જાયો છે. આજે કોંગ્રેસના એક પછી એક ધારાસભ્યોના રાજીનામાને પગલે  રાજ્યસભા ચૂંટણી પૂર્વે જ કોંગ્રેસમાં ભૂકંપ આવી ગયો છે. આજે કોંગ્રેસના ચારથી પાંચ ધારાસભ્યોએ રાજીનામા આપી દીધા હતા. આ અંગે સત્તાવાર જાહેરાત હજુ બાકી છે. આ રાજકીય ઉથલ પાથલ વચ્ચે હવે કોંગ્રેસને રાજ્યસભાની એક બેઠક ગુમાવવી પડે એવી સ્થિતિ થઈ છે. જ્યારે ભાજપ ત્રણ બેઠક જીતવાથી માત્ર ૧ મત દૂર છે. ખાસ કરીને ભાજપના ત્રીજા ઉમેદવાર નરહરિ અમીનની જીતની શકયતાઓ હવે બળવત્તર બની છે.  રાજ્યસભાની ચૂંટણીમાં દરેક ઉમેદવારને જીતવા માટે ૩૫ મતની જરૂર પડશે. જેમાં ભાજપના ૩ ઉમેદવારને જીતવા કુલ ૩૫ ગુણ્યા ૩ = ૧૦૫ મતની જરૂર પડે.

હાલ ભાજપ પાસે ૧૦૩ ધારાસભ્યોનું સંખ્યાબળ છે, જેમાં એનસીપીના કાંધલ જાડેજાનો પણ મત મળે તો આ સંખ્યાબળ વધીને ૧૦૪એ પહોંચે અને ભાજપને જીતવા માટે માત્ર ૧ મતનો ખેલ પાડવો પડે. કોંગ્રેસ પાસે હાલ ૭૩ ધારાસભ્યો છે. જો ૭૩માંથી ૫ ધારાસભ્યોએ રાજીનામા આપ્યા હોય તો તેનું સંખ્યાબળ ઘટીને ૬૮ થઈ જાય અને કોંગ્રેસના ૨ ઉમેદવારને જીતવા માટે ૩૫ ગુણ્યા ૨ એટલે કે ૭૦ મત જોઈએ. પરંતુ ૬૮ જ મત હોવાથી કોંગ્રેસના એક ઉમેદવારને ઘેર જવાનો વારો આવી શકે.

          રાજ્યસભાના ગણિત પ્રમાણે વિધાનસભાના કુલ સભ્ય સંખ્યાને ઉમેદવારની સંખ્યાથી ભાગાકાર કરવો પડે અને જે રકમ આવે એટલા મતની જીતવા માટે જરૂર પડે. તે જોતા વિધાનસભામાં હાલ કુલ ૧૮૦ ધારાસભ્યો છે. જ્યારે પાંચ ઉમેદવાર મેદાનમાં છે. આ ગણિત મુજબ એક ઉમેદવારને ૩૭ મત મળે તો ઉમેદવાર જીતી શકે તેમ હતા. પરંતુ કોંગ્રેસના ૫ ધારાસભ્યોએ રાજીનામાં આપ્યા હોય તો ફુલ સભ્ય સંખ્યા ૧૭૫ની થાય એટલે ૧૭૫ ભાગ્યા પાંચ કરવામાં આવે તો જીતવા માટે ૩૫ મત જોઈએ. આમ, હવે કોંગ્રેસ માટે રાજયસભાની ચૂંટણી પહેલાં હાલત ભારે કફોડી અને લાચારીભરી જણાઇ રહી છે.

(9:31 pm IST)