Gujarati News

Gujarati News

News of Sunday, 5th May 2024

100 ટકા મતદાન થવું જોઈએ :વડતાલ મંદિરના કોઠારી સ્વામીએ કહ્યું -'પહેલો મત તો હરીભક્તનો પડવો જોઈએ

અમદાવાદ : રાજ્યની 25 લોકસભા બેઠક માટેના પ્રચાર પડઘમ શાંત થઈ ગયા છે અને મંગળવારે મતદાન થવા જઈ રહ્યું છે, ત્યારે એક સારી સરકાર પસંદ કરવા માટે પાંચ વર્ષ બાદ આપણને એક તક મળી રહી છે. આથી આ તકનો ફાયદો આપણે મતદાન કરીને અચૂક ઉઠાવવો જોઈએ. મતદાન આપણો અધિકાર છે, પરંતુ ઘણી વખત લોકો પોતાના મતાધિકારનો ઉપયોગ નથી કરતાં. ચૂંટણી પંચ ઉપરાંત સામાજિક સંસ્થાઓ દ્વારા મતદાન જાગૃતિના અભિયાન ચલાવવામાં આવી રહ્યા છે, ત્યારે આજે વડતાલ સ્વામિનારાયણ મંદિરના કોઠારી સ્વામી દ્વારા હરીભક્તોને 100 ટકા મતદાનની અપીલ કરવામાં આવી છે.

   વડતાલ સ્વામિનારાયણ મંદિરના મુખ્ય કોઠારી ડૉક્ટર સંત વલ્લભ સ્વામીએ જણાવ્યું કે, જેમ આપણે મંગળા આરતી માટે વહેલા ઉઠી જઈએ છીએ, તેમ મતદાનના દિવસે પણ વહેલા ઉઠીને મતદાન કરવું જોઈએ

    અત્યારે અહીં જે બેઠા છે અને જે લાઈવ સાંભળી રહ્યાં છે તે તમામને મારી કર્મબદ્ધ પ્રાર્થના છે કે, તે કોઈ પણ ગામ કે શહેરમાં રહેતો હોય, મતદાનના દિવસે 7મી મેના રોજ પહેલો મત તો લક્ષ્મીનારાયણ દેવના હરીભક્તનો જ પડવો જોઈએ. આટલું જ નહીં, આપણા ઘર, પરિવાર, સગા-સ્નેહી અને મિત્ર મંડળમાંથી પણ કોઈ વૉટિંગ કર્યા વિના ના રહેવું જોઈએ. જે લોકો સ્વામિનારાયણ ભગવાનનો ચાંદલો કરતા હોય, તેનું તો 100 ટકા વૉટિંગ થવું જ જોઈએ. આમ વધુમાં વધુ મતદાન થવું જોઈએ.   

ઉલ્લેખનીય છે કે, આજે વડતાલ મંદિરમાં બિરાજિત ભગવાન સમક્ષ મત પેટી મૂકવામાં આવી હતી. જેમાં હું અવશ્ય મતદાન કરીશ, મત સે મત ભાગો ઉત્સાહ કે સાથ આગે આવો, અન્નદાન મહાદાન છે એમ મતદાન વિશેષ દાન એવા સૂત્રો લખવામાં આવ્યા હતા.

આજે ભગવાનના શણગારની આગળ મતદાન પેટી મૂકી હતી. એમાં હું અવશ્ય મતદાન કરીશ એવા સ્લોગનો લખ્યા હતા. ભગવાનના હાથમાં જે કલગી છે, તેમાં પણ સૂત્રો લખ્યા હતા. શું તમે મદાન કરશો?, મતદાન પવિત્ર દાન અને હું તો અવશ્ય મતદાન કરીશ. જેનાથી મતદાન અંગે લોકોમાં જાગૃતિ આવે.

જણાવી દઈએ કે, લોકસભા ચૂંટણી માટે બે તબક્કાનું મતદાન થઈ ચૂક્યું છે. થોડા દિવસ અગાઉ ચૂંટણી પંચ દ્વારા મતદાનના અંતિમ આંકડા જાહેર કરવામાં આવ્યા હતા. જેમાં પ્રથમ તબક્કામાં 66.14 ટકા અને બીજા તબક્કામાં 66.71 ટકા મતદાન થયું હોવાનું જણાવાયું હતુ.

2019ની લોકસભા ચૂંટણીમાં પ્રથમ તબક્કામાં 91 બેઠકો પર 69.58 ટકા અને બીજા તબક્કાના 95 લોકસભા બેઠકો પર 69.45 ટકા મતદાન નોંધાયું હતુ. આવી જ રીતે 2014ની લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કામાં 68.77 ટકા અને બીજા તબક્કામાં 69.62 ટકા મતદાન નોંધાયું હતુ. આમ આ વખતે જોઈએ તો, પ્રથમ બે તબક્કામાં એકંદરે મતદાનમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. આથી મતાધિકાર આપણી સૌથી મોટી તાકાત છે. આપણે શસક્ત દેશ અને મજબૂત લોકતંત્ર માટે મતદાન અચૂક કરવું જ જોઈએ.

(11:38 pm IST)