Gujarati News

Gujarati News

News of Sunday, 5th May 2024

વડોદરામાં નવજીવન પ્રસુતિ હોસ્પિટલમાં એક સગર્ભાનું મોત થયું

ડોક્ટરની બેદરકારની પરિવારનો ગંભીર આરોપઃ સગર્ભા દિકરીને ૧૦મો મહિનો અડધો થવા છતાં ડોક્ટરે નોર્મલ ડિલીવરી માટે રાહ જોઈ

વડોદરા, તા.૫

વડોદરા શહેરની નવજીવન પ્રસુતિ હોસ્પિટલમાં એક સગર્ભાનું મોત થયાનું સામે આવ્યું છે. હોસ્પિટલમાં સગર્ભાનું મોત થવા પર પરિવારે ડોક્ટરની બેદરકારીના ગંભીર આરોપ લગાવ્યા છે. નવજીવન હોસ્પિટલના ડોક્ટરે મહિલાનું મોત થતા પહેલા જ પોલીસ બોલાવી લીધી હતી. પરિવારના આરોપ બાદ તમામ બાબતોની ચકાસણી થશે. હાલમાં સગર્ભા મહિલાના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યો છે. પોસ્ટમોર્ટમ બાદ જ મોતનું સાચું કારણ ખબર પડશે.સગર્ભ મહિલાના પરિવારજનોએ જણાવ્યું કે તેમની ૨૪ વર્ષની દિકરીને ૧૦ મહિનાનો ગર્ભ હતો. સામાન્ય રીતે ૯ મહિનાની અંદર ડિલિવરી કરાવતી હોય છે. જો ડોક્ટરે તારીખ આપી હોય તે દિવસ સુધી મહિલાને સામાન્ય પીડા ના ઉપડે તો મોટાભાગના ડોક્ટર સીઝરેયનની સલાહ આપતા હોય છે. આ મામલમાં પરિવારજનોનું કહેવું છે કે ડોક્ટરે સગર્ભા મહિલાની યોગ્ય કાળજી ના રાખી. તેઓ ડોક્ટર જોડે નિયમિત તેમની દિકરીનું ચેકઅપ કરાવતા હતા. છેલ્લે સુધી ડોક્ટરે એવું જ કહ્યું કે બધું નોર્મલ છે. તેમની દિકરીને સવારે ૮ વાગ્યાથી હોસ્પિટલ લઈ આવ્યા હતા. ત્યારબાદથી હોસ્પિટલ દ્વારા કહેવાતું રહ્યું કે પાણી ઓછું હોવાના લીધે તેમની દિકરીનું મોત નિપજ્યું છે. તો વળી સ્ટાફના અન્ય કોઈ કહે છે કે હાર્ટએટેકના કારણે મોત થયું છે. હોસ્પિટના માણસો દ્વારા અલગ-અલગ જવાબ આપવામાં આવી રહ્યા છે.

નવજીવન હોસ્પિટલના ડોક્ટરો બેદરકાર હોવાનું મહિલાના પરિવારજનોનો આરોપ છે. તેમની સગર્ભા દિકરીને ૧૦મો મહિનો અડધો થવા છતાં ડોક્ટરે નોર્મલ ડિલીવરી માટે રાહ જોઈ. આવા સંજોગોમાં નિષ્ણાત ડોક્ટરો સીઝરેયીન કરતા હોય છે. પરંતુ હોસ્પિટલના ડોક્ટર બેદરકાર હોવાથી અથવા નિષ્ણાત ના હોવાથી અમારી દિકરીને મોતના મુખમાં ધકેલી દીધી. પરિવારના એક સભ્યએ કહ્યું કે ડોક્ટરે સિઝેરીયન માટે કેમ પ્રયાસ ના કર્યો જો પૈસા થાત તો અમારા થાત. અમે તેમના પર દબાણ નહોતું કર્યું કે તેઓ નોર્મલ ડિલીવરી જ કરાવે. જો કે હોસ્પિટલના ડોક્ટરે આ સ્થિતિનો અંદાજ હોવાથી તેમણે પરિવારને સગર્ભા મહિલાના મોતની જાણ કરતા પહેલા જ પોલીસ બોલાવી લીધી હતી જેથી હોસ્પિટલમાં કોઈ બબાલ થાય નહિ. પોલીસ આવ્યા બાદ જ ડોક્ટરે કહ્યું કે તેમની દિકરી હવે આ દુનિયામાં નથી. પરિવારે પણ પોલીસ સમક્ષ ડોક્ટર બેદરકાર હોવા તેમજ તેમને ન્યાય મળે તેવી ગુહાર લગાવી છે.

(11:47 am IST)