Gujarati News

Gujarati News

News of Sunday, 5th May 2024

અમદાવાદના ગોતામાં હાઉસિંગ બોર્ડના મકાનમાં ભ્રષ્ટાચાર

૧૬૦૦થી વધુ પરિવારોએ સોસાયટી ફંડમાં આપેલા કરોડો રૂપિયા ગાયબ

 

અમદાવાદ, તા.૫ : અમદાવાદના ગોતા વિસ્તારમાં આવેલ વીર સવારકર ગુજરાત હાઉસિંગના મુશ્કેલીમાં મૂકાયા છે. ૧૬૦૦ કરતા વધુ પરિવારોએ સોસાયટી ફંડમાં જમા કરાવેલા કરોડો રૂપિયા સામે ભ્રષ્ટાચાર થયો છે. સોસાયટીએ મેન્ટેનન્સ માટે જમા કરાવેલા કરોડો રૂપિયા કમિટી મેમ્બર ચાઉં કરી ગયાના આક્ષેપો થયા છે. ૧૬૦૦ કરતા વધુ પરિવારોએ સોસાયટી ફંડમાં જમા કરાવેલા કરોડો રૂપિયા સામે ભ્રષ્ટાચાર કરાયો છે. અમદાવાદમાં ગોતા ખાતે ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા વસંતનગર વિકસાવવામાં આવ્યું હતું. જેમાં આવેલ વીર સાવરકર હાઇટ્સ ૧ મુખ્યમંત્રી ગૃહ યોજના અંતર્ગત વિકસાવવામાં આવ્યું હતું. આ સોસાયટીમાં ૧૩ માળના ફ્લેટોમાં ૧૬૦૦ જેટલા મકાનો આવેલા છે. જેની ૮૦૦૦ જેટલી વસ્તી થવા જાય છે.

 અહીં રહેવા આવેલા લોકોને ૨૦૧૭માં મકાનોનું પોઝિશન આપવામાં આવ્યું હતું. તે સમયે મેન્ટેનન્સ પેટે ૮.૯૮ કરોડનું ભંડોળ ગુજરાત સ્ટેટ-કો ઓપરેટિવ બેક્નમાં મૂકવામાં આવ્યું હતું. બાદમાં વધુ એક કરોડ જેટલી રકમ એકત્ર થઈ હતી. તેના વ્યાજ અને માસિક મેન્ટેનન્સ પેટે વધુ ૬ થી ૭ કરોડ રૂપિયા એકઠા થયા હતા. આમ કુલ ૧૫ થી ૧૬ કરોડ જેટલી રકમ બેંકમાં મૂકવામાં આવી હતી. પરંતુ હવે બેંકમાં મૂકાયેલી આ રકમ ગાયબ થઈ ગઈ છે.

સોસાયટીના કમિટી મેમ્બર સામે હાઉસિંગ બોર્ડના રહેવાસીઓએ આક્ષેપ કર્યા છે. સોસાયટીમાં ફંડ ન રહેતા સોસાયટી સામે ૧ કરોડનું દેવું થયું છે. વીજ બિલ, પાણી સપ્લાય, સિક્યુરિટી જેવા ખર્ચા સામે સોસાયટી પાસે ફંડ નથી. વારંવાર ગુજરાત હાઉસિંગને ફરિયાદ કરી છતાં કોઈ પગલાં ન લેવાયા. તેમજ સ્થાનિકોએ CM સુધી રજૂઆત કરી છતાં ઉકેલ આવ્યો નથી.

(11:35 am IST)