Gujarati News

Gujarati News

News of Thursday, 19th March 2020

મોરબીમાં કોરોના શંકાસ્પદ દર્દીને હોસ્પીટલમાં ન રોકતા તંત્ર હરકતમાં

રાજકોટ, તા. ૧૯ :  સૌરાષ્ટ્રભરમાં કોરોના વાયરસ ફેલાય નહીં તે સામે રોગપ્રતિકારક પગલા લેવાઇ રહ્યા છે. તેમાં પણ મોરબી-સુરેન્દ્રનગર જીલ્લામાં પણ તંત્ર સક્રિય બની ગયેલ છે. જે અહેવાલ નીચે મુજબ છે.

મોરબીની પ્રતિનિધિ પ્રવિણ વ્યાસના અહેવાલ મુજબ વિશ્વભરમાં કોરોના હાહાકાર મચાવી રહ્યો છે ત્યારે મોરબીમાં પણ એક વ્યકિતમાં શંકાસ્પદ લક્ષણ જોવા મળતા તેના રિપોર્ટ કરવા મોકલવામાં આવ્યા હતા તો તે દર્દી હોસ્પિટલમાં દાખલ થવાના બદલે ઘરે જતો રહ્યો હોવાથી હોસ્પિટલની બેદરકરી છતી થઇ છે. આ વાતની કવાયત હાથ ધરવામાં આવી છે.

મોરબી ઉદ્યોગનગરી છે જેમાં દેશ-વિદેશમાં વેપાર માટે લોકો જતા હોય છે ત્યારે વિયેતનામાથી પરત ફરીને આવેલ એક વ્યકિત શંકાસ્પદ લાગતા તરત જ આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યંુ હતું અને તે વ્યકિતના સેમ્પલ લઇ જામનગર મોકલવામાં આવ્યા હતા. કોરોનાનો શંકાસ્પદ દર્દી પોતાના સેમ્પલ આપી આઇસોલેકશન વિભાગમાં દાખલ થયા વગર આવી જતા અને સરકારી હોસ્પિટલે સેમ્પલ લીધા ત્યારે એકેડેમિક એકટ હેઠળ કોઇ શંકાસ્પદ દર્દી જણાય તો તેને ફરજીયાત આઇસોલેશન વિભાગમાં દાખલ રાખવાનો આદેશ હોવા છતાં બેદરકરી સામે આવી છે. જેથી હાહાકાર મચી ગયો હતો. જીલ્લા કલેકટર જીલ્લા વિકાસ અધિકારી, અધિક કલેકટર, પોલીસ ટીમ સહિતના અધિકારીઓ દોડી આવ્યા હતા અને તે દર્દીને ઘરેથી લાવીને હોસ્પિટલમાં એડમીટ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

ટંકારામાં શનિવારી બજાર બંધ રહેશે

ટંકારામાં શનિવારે ભરાતી શનીવારી બજાર બંધ રહેશે.

ટંકારા ગ્રામ પંચાયત દ્વારા કોરાનાના કારણે સાવચેતીના પગલારૂપે શનીવારી બજાર બંધ રખાયેલ છે.

શનિવારી બજારમાં પોતાનો માલ - સામાન વેંચવા આવતા વેપારીઓ ફેરીયાઓ ધંધાથી કે વેચાણ માટે આવવું નહીં તેવું જણાવેલ છે.

શનિવારી બજારમાં હટાણું માટે આવતા લોકોએ પણ શનિવારી બજાર બંધ રહેશે. તેની નોંધ લેવી.

(1:05 pm IST)