Gujarati News

Gujarati News

News of Thursday, 19th March 2020

લીંબડી પાસે રાજકોટના વેપારીને ૩૦ ટકા ઓછા ભાવે સોનુ આપવાની લાલચ આપીને બંદુકની અણીએ રૂ.૧૩.૬૦ લાખની લુંટ કરનારા ૩ની શોધખોળ

સીએનસી અને વીએમસી મશીનરીનાં ટ્રેડીંગનો વેપાર કરનાર વસંતભાઇ લીંબાણીની સાથે કામ કરનાર કુલદીપ ગઢવીએ લાલચ આપી'તી

વઢવાણ, તા., ૧૯: રાજકોટના સીએનસી અને વીએનસી મશીનરીના ટ્રેડીંગનો વેપાર કરનાર વસંતભાઇ લીંબાણી અને તેના પુત્રને સસ્તા સોનાની લાલચ આપીને લીંબડી પાસે ૩ શખ્સોએ બંદુકની અણીએ રૂ. ૧૩.૬૦ લાખની લુંટ કરીને ૩ શખ્સો નાસી છુટતા પોલીસે ત્રણેયની શોધખોળ હાથ ધરી છે.

પ્રાપ્ત માહીતી મુજબ રાજકોટમાં સીએનસી અને વીએનસી મશીનરીનું ટ્રેડીંગનો વેપાર કરતા અને રાજકોટ ગુરૂપ્રસાદ ચોક, દોશી હોસ્પીટલ પાસે રહેતા  વસંતભાઇ લક્ષ્મણભાઇ લીંબાણી અને તેમના પુત્ર મીતુલ વસંતભાઇ લીંબાણી એ જણાવ્યું હતું કે અમારી સાથે કામ કરતા કુલદીપ ગઢવી નામના યુવાને સુરેન્દ્રનગરમાં રહેતા પોતાના મિત્ર દ્વારા ૩૦ ટકા ઓછા ભાવે સોનુ આપે છે. સસ્તા સોનાની લાલચ આપી સોનું લેવા માટે લીંબડી હાઇવેની ઓનેસ્ટ હોટલે બોલાવ્યા હતાં.

રાજકોટના કુલદીપ ગઢવી સાથે પિતા પુત્ર તેમના બે મિત્ર નીતીન રબારી અને નિકુંજ વાલજીભાઇ સતાણી સાથે પોતાની  સેન્ટ્રોકારમાં રૂ. ૧૩.૬૦ લાખનો થેલો ભરીને સોનુ લેવા માટે લીંબડી ઓનેસ્ટ હોટલ ઉપર આવ્યા હતાં. આ સમયે સફેદ કલરની મહીન્દ્રા કંપનીની એસયુવી ૩૦૦ કાર આવી ને ઉભી રહી હતી અને વસંતભાઇ ને કારમાં બોલાવી રૂપિયા બતાવવા કહયું હતું. અને સોનુ જોવા માટે વસંતભાઇના પુત્ર મીતુલ અને તેના મિત્રોને લીંબડી હાઇવે ઉપર આગળ એક મંદિર પાસે જઇ ઉભા રહો ત્યાં તમને સોનુ બતાવવામાં આવશે તેમ કહી ઓનેસ્ટ હોટલ થી અવાના કરી દીધા હતાં. ઓનેસ્ટ હોલથી મીતુલ તેના મિત્રો સાથે લીંબડી હાઇવે ઉપર જત હતા તે સમયે ઓનેસ્ટ હોટલ પાસે વસંતભાઇ અને કુલદીપ ગઢવી રૂપીયા ભરેલો થેલો લઇને ઉભા હતા ત્યરે એસયુવી કારમાં ત્રણ શખ્સો આવી ને વસંતભાઇ અને કુલદીપ ગઢવીની બાજુમાં કાર ઉભી રાખ બન્નેને કારમાં રૂપિયા બતાવવા માટે બોલાવ્યા હતાં. વસંતભાઇ કારમાં બેસતાની સાથે અન્ય બે અજાણ્યા યુવાનો કારમાં વસંતભાઇની આજુ બાજુ બેસી ગયા હતાં.

આ સમયે કુલદીપ ગઢવી પાણીની બોટલ લેવા માટે ઓનેસ્ટ હોટલમાં જતા એસયુવી કાર શીયાણીના માર્ગે હંકારી મુકી હતી. અડધો કી. મી. આગળ જઇ ને એક યુવકને વસંતભાઇના લમણે રીવોલ્વર તાકીને રૂપિયા ભરેલા થેલાની માગણી કરતા ગભરાઇ ગયેલા વસંતભાઇએ રૂપિયા લઇ લો પણ મને મારશો નહી તેમ કહી આજીજી કરતા રસ્તામાં વસંતભાઇને ઉતારી ત્રણ શખ્સો શીયાણી ગામ તરફ નાસી છૂટયા હતાં.

આ બનાવ અંગે વસંતભાઇએ લીંબડી પોલીસ સ્ટેશને આવીને જાણ કરતા પીએસઆઇ સંજય વરૂ પોતાના સ્ટાફ ઓનેસ્ટ હોટલે દોડી જઇ સીસીટીવી કેમેરા ચેક કર્યા હતા અને લીંબડી બહાર જતા તમામ રસ્તાઓ ઉપર નાકાબંધી કરી કુલદીપ ગઢવીને ઝડપી પાડી નાસી છુટેલા ત્રણ અજાણ્યા યુવકોને ઝડપી પાડવા ચક્રો ગતીમાન કરી દીધા હતા.

(1:03 pm IST)