Gujarati News

Gujarati News

News of Thursday, 19th March 2020

કોરોના ઇફેકટ : માતાના મઢ જાગીરની અપીલ : ચૈત્રી નવરાત્રીએ દર્શને નહીં આવતા

ભાવિકોને યુ-ટયુબ ચેનલ પર મા આશાપુરાના લાઇવ દર્શન કરવા વિનંતી : મહાઆરતીનો કાર્યક્રમ રદ્દ

 ભુજ તા. ૧૯ : કોરોના સામે જાગૃતિના ભાગ રૂપે કચ્છમાં અનેક ધાર્મિક સંસ્થાઓ આગળ આવી રહી છે. મોટા મેળાવડા અને ધાર્મિક ઉત્સવોને મુલત્વી રખાઈ રહ્યા છે તો ઘણી જગ્યાએ રદ્દ પણ કરાઈ રહ્યા છે. ચૈત્રી નવરાત્રિના પવિત્ર ૭ દિવસો દરમ્યાન સામાન્ય રીતે કચ્છમાં મા આશાપુરાના દર્શને માનવ મહેરામણ ઉમટે છે.

માતાના મઢ મધ્યે આ પ્રસંગે ધાર્મિક કાર્યકર્મો પણ યોજાય છે. પરંતુ, સરકારની અપીલને પગલે માતાના મઢ જાગીર ટ્રસ્ટ દ્વારા કોરોનાની મહામારી સામે આગોતરા પગલાં ના ભાગરૂપે મહત્વની જાહેરાત કરાઈ છે. જાગીરના અધ્યક્ષ યોગેન્દ્રસિંહ રાજાબાવાએ લોકોને જાહેર અપીલ કરતાં જણાવ્યું છે કે, ચૈત્રી નવરાત્રિ દરમ્યાન માતાના મઢ આવવાનું તેઓ ટાળે.

લોકો માટે યુ ટ્યુબ ચેનલના માધ્યમથી મા આશાપુરાના લાઈવ દર્શનની વ્યવસ્થા કરાઈ છે. તો, મહાઆરતીનો કાર્યક્રમ પણ રદ્દ કરાયો છે. જોકે, માતાના મઢ મધ્યે ચૈત્રી નવરાત્રિની ઉજવણી અંતર્ગત મંગલા આરતી, શૃંગાર આરતી, સંધ્યા આરતી તેમ જ નિયમિત સેવાપૂજા ચાલુ રહેશે.

(11:46 am IST)