Gujarati News

Gujarati News

News of Thursday, 19th March 2020

લખતરના મોક્ષધામમાં મૂર્તિ ખંડિત : ત્રિશૂલ અને હાથ તોડીને લઇ ગયા : પાણીની ટાંકીનો વાલ્વ પણ તોડયો !

તોડફોડની ઘટનાથી રોષ : અસામાજીકોને ઝડપી લેવા માંગ : મૂર્તિ આસપાસ દારૂની ખાલી કોથળીઓ પણ મળી

વઢવાણ તા. ૧૯ : લખતર શહેરના પાટડી દરવાજા બહાર આવેલ મોક્ષધામમાં પ્રવેશતા જ પ્રથમ મુર્તી શંકર ભગવાનની રાખવામાં આવી છે અને ત્યારબાદ અન્ય મુર્તીઓ મુકવામાં આવી છે. મોક્ષધામનો દરવાજો બંધ હોય છે તેમ છતાંય અમુક અસામાજીક તત્વો દ્વારા શંકર ભગવાનની મૂર્તી સાથે રંજાડ કરી તેને ખંડીત કરવામાં આવી છે. જેમાં હાથમાં રહેલ ત્રિશુલ તેમજ હાથ તોડીને લઈ ગયેલ છે.

જે અંગેની જાણ મોક્ષધામની દેખરેખ રાખતાં સમાજ સેવકને થતાં આગેવાનો અને વેપારીઓને જાણ કરવામાં આવી હતી આથી વેપારી એસોશીએસન સહિત ગામના આગેવાનોએ લખતર પોલીસ મથકે અરજી કરી હતી જયારે મોક્ષ ધામમાં મુર્તીની આસપાસ ખાલી દેશી દારૂની કોથળીઓ પણ નજરે પડી હતી તેમજ પાણીની ટાંકીનો વાલ્વ પણ તોડી નાંખવામાં આવ્યો છે.

આમ મોક્ષધામમાં મહાદેવજીની મુર્તી ખંડીત તેમજ તોડફોડ કરવામાં આવતાં સમગ્ર હિન્દુ સમાજની લાગણી દુભાઈ છે ત્યારે પોલીસ દ્વારા આવા અસામાજીક તત્વોને ઝડપી પાડવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.

(11:45 am IST)