Gujarati News

Gujarati News

News of Thursday, 19th March 2020

જસદણના લીલાપુર ગામે કોટન મીલમાં જુગારના હાટડા પર દરોડોઃ પાંચ પકડાયા

ભરત બાંભણીયા જુગાર રમાડતો'તોઃ ૧.૧૬ લાખનો મુદામાલ કબ્જે

રાજકોટ, તા., ૧૯: જસદણના લીલાપુર ગામની સીમમાં કોટન મીલમાં ચાલતા જુગારના હાટડા પર પોલીસે દરોડો પાડી જુગાર રમતા પાંચ પતાપ્રેમીઓને ઝડપી લીધા હતા.

પ્રાપ્ત વિગતો મુજબ જસદણના લીલાપુર ગામની સીમમાં આવેલ શિવમ કોટન મીલનો માલીક ભરત બટુકભાઇ બાંભણીયા બહારના માણસોને બોલાવી જુગાર રમાડતો હોવાની બાતમી મળતા જસદણના પીઆઇ કે.આર.રાવત, પીએસઆઇ એન.એચ.જોષી, હેડ કો. વિનુભાઇ વસાણી, પો.કો. જીતેન્દ્રભાઇ  ગોહેલ, ભાવેશભાઇ પરમાર તથા મહેન્દ્રભાઇ ધાંધલ સહીતના સ્ટાફે રેઇડ કરી જુગાર રમતા પાંચ શખ્સોને રોકડા રૂ. ૭૭,૬ર૦ મોબાઇલ ફોન-પ મળી કુલ ૧,૧૬,૧ર૦ના મુદામાલ સાથે ઝડપી લીધા હતા.

જુગાર રમતા પકડાયેલ શખ્સોમાં કોટન મીલના માલીક (૧) ભરત બટુકભાઇ બાંભણીયા (ઉ.વ.૪પ)(રે. અમરાપુર) (ર) ઘનશ્યામ વશરામભાઇ સોલંકી (ઉ.વ.૩૦) રે. અમરાપુર (૩) ધીરૂ વજુભાઇ મકવાણા રે. અમરાપુર (૪) જગો ઉર્ફે જગો હામાભાઇ ત્રમટા (રે. અમરાપુર) તથા (પ) વિનોદ રાઘવભાઇ સાકરીયા (ઉ.વ.૪૦) રે. બલધોઇનો સમાવેશ થાય છે. તમામ સામે ગુન્હો દાખલ કરી ધોરણસરની કાર્યવાહી કરાઇ હતી.

(11:23 am IST)