Gujarati News

Gujarati News

News of Thursday, 19th March 2020

જિલ્લા સહકારી બેંકમાં રાદડિયા જુથ માટે માર્ગ મોકળોઃ હરીફ જુથનું નિશાન 'રા.લો. સંઘ'

શરાફી સિવાઈની બાકીની બધી બેઠકો બિનહરીફ થવાના એંધાણ

રાજકોટ, તા. ૧૯ :. સૌરાષ્ટ્રની સૌથી મોટી ગણાતી રાજકોટ જિલ્લા સહકારી બેંકની ૧૭ બેઠકોની ચૂંટણી ૨૦ એપ્રિલે યોજવાનો કાર્યક્રમ જાહેર થયો છે. ખેતીની ૧૩ સહિત ૧૭ બેઠકો માટે ચૂંટણી થનાર છે. જેમાં શરાફી વિભાગની બે સિવાયની તમામ બેઠકો બીનહરીફ થાય તેવા અત્યારના સંજોગો છે. ભાજપના રાદડિયા જુથના હરીફ ગણાતા જુથે કથીત સમાધાનના ભાગરૂપે બેંકનો માર્ગ મોકળો કરી આવતા જૂન મહિના આસપાસ આવી રહેલી રાજકોટ-લોધીકા સહકારી સંઘની ચૂંટણી પર નિશાન તાંકયાનું જાણવા મળે છે.

રાજકોટ જિલ્લા બેંકની ચૂંટણી માટે ૨૭ માર્ચે આખરી મતદાર યાદી પ્રસિદ્ધ થશે. તા. ૩૦થી ૪ એપ્રિલ ફોર્મ ભરવાનો સમય છે. જરૂર પડે તો ૨૦ એપ્રિલે મતદાન અને બીજા દિવસે મત ગણતરી થશે.

એક સમયે રાજકોટના સહકારી ક્ષેત્રમાં ભાજપના જ બે જુથ સામસામે હોય તેવુ વાતાવરણ હતુ. સ્થાનિક અને પ્રદેશના રાજકીય સમીકરણો જોતા હવે તે સ્થિતિમાં બદલાવ આવ્યો છે. રાદડિયા જુથની સામેના મનાતા જુથે આક્રમક લડાઈનો અભિગમ બદલી નાખ્યો છે. તમે અમને બેંકમાં મદદ કરો, અમે તમને યાર્ડ અને રા.લો. સંઘમાં મદદ કરશું તેવુ સમાધાન થયાનું ચર્ચાય રહ્યુ છે. હાલ બેંકમાં ભાજપ અને કોંગ્રેસની વિચારધારા ધરાવતુ મિશ્ર બોર્ડ છે. બેંકના ચેરમેન જયેશ રાદડિયા ભાજપના છે. વિઠ્ઠલભાઈ રાદડિયાની ચિરવિદાય પછી પ્રથમ વખત બેંકની ચૂંટણી આવી છે. લગભગ તમામ બેઠકો રાદડિયા જુથના વર્ચસ્વ સાથે બીનહરીફ થાય તેવા એંધાણ વર્તાય છે. ચૂંટણી નજીક આવતા સહકારી ક્ષેત્રમાં ગરમાવો આવ્યો છે.

(4:41 pm IST)