Gujarati News

Gujarati News

News of Thursday, 19th March 2020

કોરોના સામે પોલીસ સતર્કઃ ફરિયાદીને ટોળામાં ન આવવા તાકિદ

તમામ પોલીસ સ્ટેશનોમાં સાફસફાઇ કરવામાં આવીઃ સેનિટાઇઝર અને માસ્કની સુવિધા ઉપલબ્ધઃ ટ્રાફિક દંડ ભરવાની લાઇનમાં એકબીજાથી અંતર રાખવું : બને ત્યાં સુધી ટેલિફોનીક કે ઓનલાઇન ફરિયાદ-અરજી કરવા સુચનઃ પોલીસ સ્ટેશનોના ઇ-મેઇલ આઇડી, ફેસબૂક એકાઉન્ટ, ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ પર ફરિયાદ કરી શકાશેઃ વિડીયો કોલીંગની સુવિધાઃ જરૂર હોય તો બે વ્યકિતએ જ પોલીસ સ્ટેશને આવવું

રાજકોટ તા. ૧૯: સમગ્ર વિશ્વમાં હાલમાં કોરોના વાયરસની મહામારી રૂપે મ્હો ફાડી ઉભો થયો છે ત્યારે આ વાયરસને રોકવા માટે સરકારી તંત્ર દ્વારા ગુજરાત રાજ્યમાં યુધ્ધના ધોરણે તકેદારીના પગલા લેવાનું શરૂ થયું છે. દરેક સરકારી વિભાગોએ પોતાના સત્તાવાર કાર્યક્રમો રદ્દ કરી નાંખ્યા છે. આ ઉપરાંત દરેક સરકારી કચેરીઓએ અરજદારોને ખુબ જરૂરી હોય તો જ રૂબરૂ  આવવા અપિલ થઇ રહી છે. આ વચ્ચે શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે પણ પોતાના નેજા તળેના તમામ પોલીસ મથકો ઉપર સાફસફાઇ હાથ ધરવા સુચના આપી છે. જે અંતર્ગત સફાઇ અભિયાન હાથ ધરી દેવામાં આવ્યું છે. સાથોસાથ ફરિયાદી-અરજદારોને સંબોધી એક અપિલ જારી કરવામાં આવી છે જેમાં અત્યંત જરૂરી હોય તો જ પોલીસ સ્ટેશને અથવા પોલીસ અધિકારીઓની કચેરી ઉપર રૂબરૂ ફરિયાદ કરવા આવવા અપિલ કરી છે. ટોળા રૂપે ન આવવા તાકીદ કરી છે.

આ ઉપરાંત ઓનલાઇન અથવા સોશિયલ મિડીયાના માધ્યમો થકી ફરિયાદો, અરજી માટેની વ્યવસ્થા પણ ઉપલબ્ધ બનાવાઇ છે અને તે અંગેની અરજદારો માટેની જરૂરી માહિતી અખબારોના માધ્યમથી જાહેર કરવામાં આવી છે. આ માટેના જરૂરી નંબરો અને ઇ-મેઇલ આઇડી, ઇન્સ્ટાગ્રામ, ફેસબૂક સહિતના આઇડી અને ફોન નંબર અહિ કોસ્ટકમાં આપવામાં આવ્યા છે.

પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે જણાવ્યું છેકે મહામારી અટકે એવા શુભ હેતુથી તમામ પોલીસ કર્મચારીઓ, અધિકારીઓને રક્ષણ મળી રહે અને પ્રજાજનોને પણ ફરિયાદ-અરજી માટે હેરાન ન થવું પડે તેવી ગોઠવણ કરવામાં આવી છે. તમામ પોલીસ સ્ટેશનોમાં સેનિટાઇઝર અને માસ્કની વ્યવસ્થા ઉભી કરી દેવામાં આવી છે. પોલીસ સ્ટેશનોના લોકઅપ, રૂમોને સ્વચ્છ કરવાની અને બહાર રખાયેલા વાહનોની સફાઇ કરવા પણ સુચનાઓ આપી દેવામાં આવી છે. ટ્રાફિક કર્મચારીઓ અને ટીઆરબીના જવાનોને માટે પણ માસ્કની વ્યવસ્થા કરવામાં આવી છે.

પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતાં કર્મચારીઓ સીધા જ લોકોના સંપર્કમાં આવતાં હોય છે. આ માટે સાવચેતી રૂપે અમુક સુચનો રજૂ કરાયા છે. પોલીસ સ્ટેશનોના ફોન નંબર, ઇ-મેઇલ આઇડી, ફેસબૂક, ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ પર જાહેર જનતા ફરિયાદ-અરજી રજૂ કરી શકશે. જરૂર જણાયે મોબાઇલ વિડીયો કોલીંગથી પોલીસ અરજદારનો સંપર્ક કરશે. શકય હોય ત્યાં સુધી ટોળા સ્વરૂપે પોલીસ સ્ટેશનો કે પોલીસ અધિકારીઓની કચેરીઓમાં ન આવવા અને ખુબ અત્યંત જરૂર હોય તો ફકત બે વ્યકિતએ આવવા અપ્લિ કરવામાં આવી છે. ટ્રાફિકના દંડ ભરવાની લાઇનમાં પણ એક બીજાથી અંતર રાખવું અને શકય હોય તો ઓનલાઇન દંડ ભરવાની સુવિધાનો વધુને વધુ ઉપયોગ કરવા અપિલ કરવામાં આવી છે.

(4:17 pm IST)