Gujarati News

Gujarati News

News of Thursday, 19th March 2020

કોરોના સે ડરો ના...તંત્ર પૂરતા પગલા ભરે, લોકો સજાગ રહે : પ્રમુખ અલ્પાબેન

સેનેટાઇઝરનો ઉપયોગ કરો, ભીડમાં જવાનું ટાળો, તાવ હોય તો તુરત ડોકટર પાસે દોડો

રાજકોટ, તા. ૧૯ :  રાજકોટ જિલ્લા કોરોના વાઇરસનો ફેલાવો ન થાય તે માટે રાજકોટ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી અલ્પાબેન અર્જુનભાઇ ખાટરીયા દ્વારા જિલ્લા વિકાસ અધિકારીને યોગ્ય પગલા ભરવા લેખીત અનુરોધ કરેલ છે કોરોના વારસનું જોખમ ઓછું કરવા માટે સાવચેતી રાખવા માટે રાજકોટ જિલ્લાના પ્રજાજનોને અપીલ કરેલ છે.

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના જણાવ્યા અનુસાર આ વાઇરસ માણસો દ્વારા એકબીજામાં ફેલાય છે. આ વાઇરસથી સામાન્ય શરદી અને તાવ હોય તો પણ ગંભીર બિમારી થઇ શકે છે. સદનસીબે ગુજરાતમાં કોરોનાને એકપણ પોઝીટીવ કેસ નોંધાયેલ નથી છતાં પૂર્વ સાવચેતી જરૂરી છે. તેમ જણાવી અલ્પાબેન ખાટરિયાએ નીચે મુજબ સાવચેતી રાખવા અપીલ કરી છે.

કોરોનાથી બચવાના ઉપાયો

- એવો લોકોના સંપર્કમાં ન આવશો કે જેમને આ વાઇરસ છે અથવા તેના લક્ષણો છે.

- આ વાઇરસથી દૂર રહેવા માટે સેનિટાઇઝરનો ઉપયોગ કરો.

- જયારે ઘરેથી બહાર નીકળો ત્યારે માસ્ક પહેરીને નીકળવું હિતાવહ છે. તાવ, શરદી, ઉધરસના લક્ષણો જણાય ત્યારે માસ્ક પહેરવાનો ખાસ આગ્રહ રાખવો.

- ભીડભાડવાળી જગ્યાએ જવાનું ટાળો.

-ઉધરસ, શ્વાસ લેવામાં તકલીફ કે તાવ હોય તો તાત્કાલીક સરકારી દવાખાનાનો સંપર્ક કરવો.

- રાજકોટ જિલ્લા પંચાયત કચેરીના પ્રવેશદ્વારે આરોગ્ય તપાસણી માટે છાવણી ઉભી કરવામાં આવેલ છે. કચેરીની મુલાકાતે આવતા મુલાકાતીઓએ તેનો અચુક લાભ લેવો.

- વધુ માહિતી માટે કંટ્રોલ રૂમના સંપર્ક નંબર-૯૧-૧૧-ર૩૯૭૮૦૪૬.

(4:06 pm IST)