Gujarati News

Gujarati News

News of Thursday, 19th March 2020

પાળમાં ડમ્પરે બાઇકને ઉલાળી દેતાં પતિ-પત્નિ અને પુત્રી ફંગોળાયાઃ પત્નિનું મોતઃ પટેલ પરિવારમાં શોકની કાલીમા

શિલ્પાબેન વીરડીયા (ઉ.૩૯)નું મોતઃ પતિ ભરતભાઇ વીરડીયા અને ૧૪ વર્ષની દિકરી પૂજાનો નજીવી ઇજા સાથે બચાવઃ શિલ્પાબેનને તાવ આવતો હોઇ રાજકોટ દવા લેવા આવતી વખતે બનાવઃ બે સંતાન મા-વિહોણા થયા

શિલ્પાબેન વીરડીયાને હોસ્પિટલે ખસેડાયા ત્યારની તસ્વીર અને તેમનો ફાઇલ ફોટો જોઇ શકાય છે

રાજકોટ તા. ૧૯: લોધીકાના પાળ ગામમાં ડમ્પરે બાઇકને ઉલાળતાં ટ્રાન્સપોર્ટર પટેલ યુવાન, તેમના પત્નિ અને ૧૪ વર્ષની પુત્રી ફંગોળાઇ ગયા હતાં. જેમાં પત્નિનું મોત નિપજતાં કલ્પાંત સર્જાયો હતો. પત્નિને તાવ આવતો હોઇ પતિ તેણીની દવા લેવા માટે રાજકોટ આવી રહ્યા હતાં. સાથે ૧૪ વર્ષની દિકરી પણ હતી. પિતા-પુત્રીને સામાન્ય ઇજાઓ થઇ હતી.

પ્રાપ્ત માહિતી મુજબ પાળ ગામે રહેતાં શિલ્પાબેન વીરડીયા (ઉ.૩૯)ને તાવ આવતો હોઇ તેને રાજકોટ ડોકટરને બતાવવા માટે સાંજે સાતેક વાગ્યે પતિ ભરતભાઇ છગનભાઇ વીરડીયા પોતાના બાઇક પાછળ બેસાડીને પાળથી રવાના થયા હતાં. સાથે ૧૪ વર્ષની દિકરી પૂજા પણ હતી. ત્રણેય ે પાળ ગામના ટીલાળા ચોક પાસે પહોંચતા બાઇકને પાછળથી ડમ્પરે ઠોકરે લેતાં પતિ-પત્નિ અને પુત્રી ફંગોળાઇ ગયા હતાં. જેમાં શિલ્પાબેનને માથા પાછળ ગંભીર ઇજા થતાં ભરતભાઇએ મિત્ર વિરદેવસિંહને જાણ કરતાં તેઓ પહોંચ્યા હતાં અને શિલ્પાબેનને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડ્યા હતાં. પરંતુ શિલ્પાબેને દમ તોડી દીધો હતો.

ભરતભાઇ અને દિકરી પૂજાનો નજીવી ઇજા સાથે બચાવ થયો હતો. હોસ્પિટલ ચોકીના સ્ટાફે લોધીકા પોલીસને જાણ કરી હતી. ભરતભાઇ ટ્રાન્સપોર્ટનું કામ કરે છે. સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. જે મા વિહોણા થઇ જતાં પટેલ પરિવારમાં શોકની કાલીમા છવાઇ ગઇ છે.  લોધીકા પોલીસ મથકના એએસઆઇ સુરભીબેન અને રાઇટર અજયસિંહ વધુ તપાસ કરે છે.

(3:55 pm IST)