Gujarati News

Gujarati News

News of Thursday, 19th March 2020

યુ ટયુબ ઉપર આ ગીત ધૂમ મચાવી રહ્યુ છે

વિડીયો : કોરોનાથી કંઈ નો થાય, ફાટી ન પડાય...

સાંઈરામ દવેએ રેપસોંગ બનાવ્‍યુ : હળવી ફૂલ શૈલીમાં લોકોને પ્રોત્‍સાહન આપે છે : કોરોના સામેના ઘરગથ્‍થુ આયુર્વેદિક ઉપચારોની છણાવટ પણ કરાઈ છે

રાજકોટ : દળદાર પુસ્‍તકો જે વાત ન સમજાવી શકે તે વાત નાનકડું ગીત કે કવિતા આસાનીથી સમજાવી શકે. સાંઈરામ દવેએ સાંપ્રત પ્રવાહો અને સમાજની સમસ્‍યાઓને સદૈવ પોતાની કલા અને કવિતાઓથી ઉકેલવાનો નમ્ર પ્રયાસ આદર્યો છે.

‘કોરોનાથી ફાટી ન પડાય'આ રેપસોંગ એકદમ હળવીફૂલ શૈલીમાં લોકોને મોટીવેટ કરતું સોંગ છે. જેમાં કોરોનાના લક્ષણો ઉપરાંત કોરોના સામેના ઘરગથ્‍થું આયુર્વેદિક ઉપચારોની સુંદર છણાવટ કરેલી છે.

ગુજરાતી પ્રજાએ આ પહેલા પણ પ્‍લેગ, ભૂકંપ, સુનામી, વાવાઝોડા જેવી કેટલીય કુદરતી આફતોનો હિંમતભેર સામનો કર્યો છે. હિંમત જ આફત સામે લડવાનું શષા છે એવું કહી સાંઈરામ દવેએ આ કોરોનાના રેપ સોંગ દ્વારા પ્રજાનું મોરલ બુસ્‍ટ અપ કરવાનો સરસ પ્રયત્‍ન કર્યો છે. આ માટે કોરોના કેમ થાય ? થોડું સમજાવે ‘સાંઈ', થોડી ધીરજ ધરાય, કાંઈ ફાટી ન પડાય જેવી પંક્‍તિઓ લખી છે. તો જયારે પણ મહામારી આવે ત્‍યારે ગુજરાત અને ગુજરાતીઓના ખમીરની વાત કર્યા બાદ તેમણે કોરોનાથી બચવા માટે વૈદિક ભારત તરફ પાછા ફરવાનો અને શાકાહારી બનવાનો નિર્ધાર કરવાનો સંદેશ પણ આપ્‍યો છે.

સાંઈરામ દવેના મતે કલાકાર એ સમાજનું અદ્વિતિય અંગ છે. સમાજ પર કોઈ આફત આવે ત્‍યારે પ્રજાની પડખે ઉભા રહી તેની પીડાને વાચા આપવી અને સાચી દિશામાં પ્રોત્‍સાહન આપવું એ સાચા કલાકારની ફરજ છે. મિત્ર કીર્તિદાન ગઢવીનો આભાર માનતા તેઓ કહે છે કે, અમે બંનેએ પોતાની નૈતિક જવાબદારી સમજી સ્‍વખર્ચે રાતોરાત કોરોનાની હુંડી અને કોરોનાનું રેપ સોંગ બંને તૈયાર કર્યા છે. જેઓ માટે તેઓ આયુર્વેદાચાર્ચ ડો. જયેશ પરમાર, પંકજ શેઠ, મ્‍યૂઝિક માટે પરિમલ ભટ્ટ તેમજ વીડિયો માટે ધ વિઝ્‍યુઅલાઈઝરનો આભાર માને છે.

સાંઈરામ દવેની ઓફિશિયલ યુ ટ્‍યુબ ચેનલ https://youtu.be/pTgWFu53vIg ઉપર આ ગીત સૌ કોઈ માણી રહ્યા છે.

(1:37 pm IST)