Gujarati News

Gujarati News

News of Thursday, 19th March 2020

રાજકોટના બૈજુભાઇ અનડકટને આપઘાત માટે મજબુર કરનાર પાંચ વ્યાજખોરો સામે ગુન્હો નોંધાયો

કેન્સરથી પીડાતા પિતાની સારવાર માટે વ્યાજે રૂપીયા લીધા બાદ ધાકધમકીનો દોર શરૂ થતા બૈજુભાઇ પડધરીના આજી-૩ ડેમ પાસે ઝેરી દવા પી આપઘાત કરી લીધો હતોઃ વ્યાજખોર અમીત ઠક્કર, આશીષ ગઢવી, હિમાંશુ આહીર, પટેલભાઇ તથા રામ ભરવાડ સામે પડધરી પોલીસમાં ફરીયાદ

રાજકોટ, તા., ૧૯: પડધરીના આજી-૩ ડેમ પાસે ખજુરડી ગામની સીમમાં રાજકોટના લોહાણા યુવાનને આપઘાત માટે મજબુર કરનાર પાંચ વ્યાજખોરો સામે પડધરી પોલીસમાં ફરીયાદ થઇ છે.

પ્રાપ્ત વિગતો મુજબ રાજકોટના કેવડાવાડી-૧ માં રહેતા બૈજુભાઇ સુરેશભાઇ અનડકટ નામના યુવાને ગત તા. પ-૩ના રોજ પડધરી પાસે આવેલ આજી ડેમ -૩ના કાંઠે ખજુરડી ગામની સીમમાં  ઝેરી દવા પી આપઘાત કરી લીધો હતો. આ બનાવમાં મૃતક યુવાનના ભાઇ પ્રશાંત સુરેશભાઇ અનડકટે પોતાના ભાઇને આપઘાત માટે મજબુર કરનાર વ્યાજખોર અમીત ખખ્ખર, આશીષ ગઢવી, હિમાંશુ આહીર, પટેલભાઇ તથા રામ ભરવાડ (રહે. બધા રાજકોટ) સામે પડધરી પોલીસમાં ફરીયાદ નોંધાવી છે.

ફરીયાદમાં જણાવ્યા મુજબ મૃતક બૈજુભાઇ ઝેરી દવા પીધા બાદ એવું કહેલ કે  પિતાને કેન્સરની તકલીફ હોય પોતે રાજકોટના અમીત  ખખ્ખર કે જે ઘરની બાજુમાં જ રહે છે તેની પાસેથી, તેમજ ડીલકસ પાનવાળા આશીષ ગઢવી, હિમાંશુ આહીર, પટેલભાઇ તથા રામ ભરવાડ કે જેને  મૃતક ભાઇ સાથે બેઠક હતી.  તેની પાસેથી વ્યાજે રૂપીયા લીધા હતા. મૃતક બૈજુભાઇ રેગ્યુલર વ્યાજ આપતા હોવા છતા ઉકત તમામ શખ્સો વધુ વ્યાજની વારંવાર ઉઘરાણી કરી ધાકધમકી આપતા કંટાળી જઇ ઝેરી દવા પી આપઘાત કરી લીધો હતો.

આ ફરીયાદ અન્વયે પડધરી પોલીસે આઇપીસી ૩૦૬, પ૦૬(ર), ૧૧૪ તથા મનીલેન્ડ એકટ મુજબ ગુન્હો દાખલ કરી તપાસ હાથ ધરેલ છે.

(1:01 pm IST)