Gujarati News

Gujarati News

News of Thursday, 19th March 2020

ક્રાઈમ બ્રાંચની સ્‍પેશ્‍યલ ટીમો રાજકોટ આવવા રવાનાઃ અજયકુમાર તોમર

રાજકોટના ગોમટા ચોકડી પાસેથી મળી આવેલ ઉત્તરવહીના રેઢા બંડલોની ઘટનાનો પડઘોઃ તપાસ અમદાવાદ ક્રાઈમ બ્રાંચને સુપ્રત થતા ધમધમાટ : ડીસીપી દિપન ભદ્રન ટીમ દ્વારા તપાસઃ કસુરવાર શિક્ષકો, પોલીસ ગાર્ડ અને વાહન ચાલક બાદ શિક્ષણ જગતના મોટા માથાઓ આસપાસ તપાસનો સિકંજો કસાયો

રાજકોટ, તા. ૧૯ :  રાજકોટથી વિરપુર જતા હાઈવે તેમજ ગોંડલ હાઈવે પર બોર્ડના વિદ્યાર્થીઓ દ્વારા લખાયેલી ઉત્તરવહીઓ રસ્‍તા પર રઝળતી મળી આવવાની બાબતને રાજ્‍ય સરકાર અને શિક્ષણ મંત્રીએ ગંભીરતાથી લઈ આ બાબતે ઉચ્‍ચ કક્ષાની તટસ્‍થ તપાસ કરાવવાનો નિર્ણય કરતા રાજ્‍યના પોલીસ વડા શિવાનંદ ઝાએ અમદાવાદ ક્રાઈમ બ્રાંચને સુપ્રત કરતા જ, ક્રાઈમ બ્રાંચની સ્‍પેશ્‍યલ ટીમો રાજકોટ આવવા રવાના થઈ હોવાનું અમદાવાદ ક્રાઈમ બ્રાંચના સ્‍પેશ્‍યલ પોલીસ કમિશ્નર અજયકુમાર તોમરે અકિલા સાથેની વાતચીતમાં જણાવ્‍યુ છે.

અજયકુમાર તોમરે વિશેષમાં જણાવેલ કે અમદાવાદ ક્રાઈમ બ્રાંચને તપાસ સુપ્રત થતા જ તાત્‍કાલીક ડીસીપીના માર્ગદર્શન હેઠળ તજજ્ઞોની ટીમો તૈયાર કરી કામગીરીનો પ્રારંભ કરી દેવામાં આવ્‍યો છે. આ બાબતે ઝીણવટભરી તપાસ કરી મૂળ સુધી પહોંચી રીપોર્ટ કરવામાં આવશે.

અત્રે યાદ રહે કે ઉત્તરવહીઓ રસ્‍તા પરથી રઝળતી મળી આવતા શિક્ષણ જગતમાં ખળભળાટ મચી ગયો હતો. ઉકત ઘટના સંદર્ભે રાજકોટ ગ્રામ્‍ય પોલીસની હદ હેઠળના વિરપુર પોલીસ સ્‍ટેશનમાં જાણવાજોગ ફરીયાદ દાખલ કરવામાં આવેલ. ડીઆઈજી સંદીપસિંહ દ્વારા પણ એસપી બલરામ મીણા સાથે ચર્ચા કરી જરૂરી માર્ગદર્શન આપી તપાસ તલસ્‍પર્શી થાય તેવી સૂચના આપી હતી.

દરમિયાન ગૃહ રાજ્‍યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ તથા શિક્ષણ મંત્રી વિગેરે સાથે ચર્ચા બાદ આ બનાવની ગંભીરતા લીધા બાદ મુખ્‍યમંત્રી વિજયભાઈ રૂપાણી સાથે ચર્ચા કરી ક્રાઈમ બ્રાંચને તપાસ સુપ્રત કરવા નિર્ણય કર્યો હતો. અજયકુમાર તોમરના સીધા માર્ગદર્શનમાં આ તપાસ અમદાવાદ ક્રાઈમ બ્રાંચના નાયબ પોલીસ કમિશ્નર દીપન ભદ્રન તથા ટીમ સંભાળશે. રાજકોટના ગોમટા ચોકી પાસેથી મધ્‍યસ્‍થ મૂલ્‍યાંકન કેન્‍દ્ર ખાતે મોકલવામાં આવી રહેલી અને મહેસાણા જિલ્લાના વિદ્યાર્થીઓને મળી આવેલ ધો. ૧૦ના બોર્ડ પરીક્ષાના પેપરના ચાર બંડલની આ ચકચારી ઘટનામાં કસુરવાર શિક્ષકો, પોલીસ ગાર્ડ અને વાહન ડ્રાઈવર સામે પણ શિક્ષાત્‍મક પગલા લેવામાં આવ્‍યા છે તે બાબત જાણીતી છે.

(11:46 am IST)