Gujarati News

Gujarati News

News of Thursday, 19th March 2020

બેટીના પુલ પાસે એસટી બસના ચાલકની ગુંડાગીરીઃ રાજકોટના શિક્ષીકા ચેતનાબેનનો હાથ ભાંગી નાંખ્‍યો

બાઇક ચાલકને બચાવવા કાર ચાલક યુવાને બ્રેક લગાવી, પાછળ બસ ચાલકને પણ બ્રેક મારવી પડતાં ન ગમ્‍યું : પટેલ ચેતનાબેન પતિ પ્રકાશભાઇ, પુત્ર જીલ અને પુત્રી સાથે અમદાવાદથી કારમાં પરત આવી રહ્યા'તા ત્‍યારે બનાવઃ શિક્ષીકા પુત્રને બચાવવા જતાં તેમને લોખંડનો પાઇપ ફટકારાયોઃ કુવાડવા પોલીસે ગુનો નોંધ્‍યો : ડખ્‍ખો કરી રહેલા એસટી બસના ડ્રાઇવર તથા તેણે પાઇપથી ફટકારતાં જેમનો હાથ ભાંગી ગયો તે શિક્ષીકા ચેતનાબેન પટેલ સારવારમાં નજરે પડ છે

રાજકોટ તા. ૧૯: બામણબોર નજીક બેટીના પુલ પાસે સાંજે આઠેક વાગ્‍યે અમદાવાદ-પોરબંદર રૂટની બસના ડ્રાઇવરે કારમાં રાજકોટ આવી રહેલા શિક્ષીકા પટેલ મહિલા અને તેમના પતિ-પુત્ર-પુત્રી સાથે ગેરવર્તન કરી પાઇપથી હુમલો કરી શિક્ષીકાનો હાથ ભાંગી નાંખતા ચર્ચા જાગી છે. કુવાડવા પોલીસે ગુંડાગીરી આચરનાર બસ ચાલક વિરૂધ્‍ધ ગુનો નોંધી કાર્યવાહી કરી છે. શિક્ષીકાના પુત્રએ આગળ અચાનક આવેલા બાઇક ચાલકને બચાવવા પોતાની કારને બ્રેક લગાવતાં પાછળ બસ ચાલકને પણ બ્રેક મારવી પડી હતી આ કારણે તેને ગુસ્‍સો ચડયો હતો અને હુમલો કર્યો હતો. તેવું શિક્ષીકાના પતિનું કહેવું છે.

બનાવ અંગે કુવાડવા પોલીસે માધાપર ચોકડી પાસે મહાવીર રેસિડેન્‍સી બ્‍લોક નં. ૪ રૂમ નં. ૩૦૪માં રહેતાં અને ધ્રોલના લૈયારાની પ્રાથમિક શાળામાં શિક્ષીકા તરીકે નોકરી કરતાં ચેતનાબેન પ્રકાશભાઇ પટેલ (ઉ.વ.૪૫)ની ફરિયાદ પરથી અમદાવાદ-પોરબંદર રૂટની એસટી બસ નં. જીજે૧કેએ-૫૫૨૯ના ચાલક પ્રવિણભાઇ ભુવા વિરૂધ્‍ધ આઇપીસી ૩૨૫, ૩૨૩, જીપીએક્‍ટ ૧૩૫ (૧) મુજબ ગુનો નોંધ્‍યો છે.

ચેતનાબેને ફરિયાદમાં જણાવ્‍યું છે કે પોતે પતિ પ્રકાશભાઇ પટેલ, પુત્ર જીલ અને પુત્રી જીન્‍ની સાથે કામ સબબ અમદાવાદ ગયા હતાં. ત્‍યાંથી પોતાની કાર જીજે૧કેએ-૫૪૧૩માં પરત રાજકોટ આવી રહ્યા હતાં ત્‍યારે સાંજે આઠેક વાગ્‍યે બેટી ગામના પુલ પાસે પહોંચ્‍યા એ વખતે કાર પુત્ર જીલ ડ્રાઇવ કરી રહ્યો હતો. આગળ અચાનક એક બાઇક ચાલક આવી જતાં જીલએ તેને બચાવવા કારને અચાનક બ્રેક કરી હતી. આ વખતે પાછળ એસટી બસ આવતી હોઇ તેના ચાલકને પણ બસને બ્રેક કરવી પડી હતી.

આ કારણે તેને ગુસ્‍સો ચડયો હતો અને તેણે એ પછી કારને ઓવરટેઇક કરી ઉભી રખાવી હતી અને નીચે ઉતરી લોખંડના પાઇપ સાથે ધસી આવી ચેતનાબેનના પુત્ર જીલને મારવા લાગેલ. દેકારો મચી જતાં ચેતનાબેન પુત્રને બચાવવા વચ્‍ચે પડતાં બસના ડ્રાઇવરે તેમને હાથ પર પાઇપનો ઘા ફટકારી દીધો હતો. લોકો ભેગા થઇ જતાં પોલીસને જાણ કરવામાં આવતાં કુવાડવા પોલીસ પહોંચી હતી. ચેતનાબેનને સિવિલમાં અને ત્‍યાંથી ખાનગી હોસ્‍પિટલમાં દાખલ કરાયા હતાં. જમણા હાથમાં ફ્રેકચર થઇ ગયાનો રિપોર્ટ આવ્‍યો હતો. પોલીસે બસ ચાલક વિશે માહિતી મેળવતા તેનું નામ પ્રવિણભાઇ ભુવા હોવાનું ખુલતાં તેની સામે ગુનો નોંધ્‍યો છે.

ચેતનાબેનના પતિ પ્રકાશભાઇએ જણાવ્‍યું હતું કે બસના ડ્રાઇવરે જે રીતે મારા પત્‍નિ અને દિકરીની હાજરીમાં વર્તન કર્યુ તેનાથી અમે ડઘાઇ ગયા હતાં.

(11:20 am IST)