Gujarati News

Gujarati News

News of Thursday, 19th March 2020

ર૦ માર્ચઃ ચકલી દિનઃ ખા/લો ચિડિયા ભર ભરપેટ

શીખોના ધર્મગુરૂ નાનક સાહેબ નાના હતા ત્‍યારે તેમના પિતાશ્રીએ તેમને ખેતરની રખેવાળી કરવા ખેતરે મોકલ્‍યા હતા. આસપાસના ખેડુતો ખેતરમાં આવતા પક્ષીઓને ઉડાડતા હતા, જયારે ગુરૂનાનક સાહેબ પક્ષીઓને ખેતરમાંથી દુર રાખવાને બદલે ખેતરમાં ચારો ચરવા ‘‘ખાલો ચીડીયા ભર ભર ભેટ...'' કરીને નિમંત્રણ આપતા.

આસપાસના ખેતરોના ખેડુતો તેમને આમ ન કરવા સમજાવતાં અને કહેતા પક્ષીઓ દાણા ચણી જશે તો પાક ઉણો ઉતરશે પણ ગુરૂનાનક સાહેબ તેમની વાત કાને ધરતા નહી અને પક્ષીઓને ખેતરમાં ચણવા દેતા. જયારે પાક તૈયાર થઇ ગયો અને ઉતારો આવ્‍યો ત્‍યારે ગુરૂનાનક સાહેબના ખેતરનો ઉતારો બધાથી વધારે આવ્‍યો.

પ્રકૃતિમાં, સર્જનહારે ઘડેલી જીવસૃષ્‍ટિની આગવી અહેમિયત રહેલી છે. આજે આપણે જે ગ્‍લોબલ વોમિંગ અને અન્‍ય કુદરતી હોનારતોનો સામનો કરીએ છીએ તેમાં માનવની જવાબદારી સવિશેષ રહી છે.

કેલેન્‍ડરમાં વર્ષની તારીખ ર૦મી માર્ચ આપણે નાની એવી ચકલીની પ્રજાતિને લૂપ્‍ત થતી અટકાવવા અર્પણ કરી છે. તેનું સંવર્ધન કરવા અને જાળવણી કરવા વિશ્વભરમાં ‘સ્‍પેરો ડે'ની ઉજવણી કરવામાં આવે છે આ દિવસની ઉજવણી વર્ષ-ર૦૧૦ થી શરૂ કરવામાં આવી.

જુના સમાજ જીવન અને સંસ્‍કૃતિમાં ઘર-ઘરાઉ પક્ષી ચકલીની વાર્તાઓ અને લોકગીતો હતા, જે આજે વિસરાઇ ગયા છે. કહેવતોમાં હજુ કયાંક અબ પછતાયે કયા કરે, જબ ચીડીયા યુગ ગઇ ખેત' કોકના મોઢેથી સાંભળવા મળે છે, તો વંચાણે પણ આવે છે.

જેઓની ઉંમર ૪૦ વર્ષથી વધુ છે તેઓને ખબર હશે કે ઘરમાં ધાર્મિક ફોટાઓ દીવાલે ટિંગાડયા હોય તો તેની પાછળ ચકલીનો માળો બંધાયેલો દિઠો હશે અને દિવાળી કે અન્‍ય તહેવારોના દિવસોમાં ઘરની સફાઇ વખતે તેને ઘર બહાર કાઢયો હશે આજે શહેરોમાં સિમેન્‍ટના રહેણાકો આસ્‍ફાલ્‍ટની સડકો પર દોડતા વાહનોના ઘુમાડા, મોબાઇલ ટાવરના તરંગો અને વૃક્ષ છેદનને કારણે આજે ચકલી ગોતી જડતી નથી.

ખેડુતોની મિત્ર ગણાતી ચકલી કાળા માથાના દરેક માનવી માટેઉપકારક હતી અને છે. નાના કીટકો જીવાણુઓ અનાજમાં થતા ધનેડા, કુદાઓ, ઇયળો તેનો ખોરાક ઉપરાંત બીજ ફળનું પણ મજેથી જમણ કરતી આ નાની ચકલી અનાજ, કઠોળ, શાકભાજીને જંતુમુકત કરવાનું મોટુ કામ પાર પાડતી. એનું ઉદાહરણ જોઇએ તો વર્ષ ૧૯પ૦માં ચીને પોતાના ખેતરોના પાક બચાવવા લાખો ચકલીઓને મારી નાખી પણ તેનું પરિણામ ઉંધુ આવ્‍યું આ ઉપરાંત આપણને પ્રથમ ફકરામાં ગુરૂ નાનકની વાત પણ ચકલીના મહત્‍વને સમજાવે છે.

કદમાં નાની ફેડકા ભરતી ચકલીનું આયુષ્‍ય ચારથી પાંચ વર્ષ જેટલું છે. તેની લંબાઇ ૧૪ થી ૧૬ સેન્‍ટિમીટર જેટલી અને વજન રપ થી ૪૦ ગ્રામ જેટલું હોય છે. પુરા એશિયા ખંડ ઉપરાંત યુરોપ ખંડમાં જોવા મળતી ચકલીની છ જેટલી પ્રજાતિઓ જોવા મળેછે આવી આ ચકલીને ભાતીગત ભારતના વિવિધ પ્રાંતો અને ભાષાઓમા જુદા જુદા નામ છ.ે

જેમાં ઉર્દુમાં ચિરૈયા, સિંધિમાં કે ઝીરકી, પંજાબમાં ચિરી, જમ્‍મુ-કાશ્‍મીરમાં ચેર, પમિ બંગાળમાં ચરાઇ પાખી, ઓરિસ્‍સા ઉડીયામાં ધરા છતિયા, મહારાષ્‍ટ્ર મરાઠીમાં ચિમની, તેલુગુમાં પિછુકા, કન્નડમાં ગુલારી, તમીલનાડુ અને કેરાલામાં કુરૂવી તરીકે ઓળખાય છે.

આજે શહેરમાં ધાર્મિક કારણોસર અને શોખ ખાતર આપણને કબુતરોને જેટલું મહત્‍વ આપીએ છીએ તેટલું ચકલીને આપતા નથી. પ્રકૃતિ પ્રેમીઓ ચકલીના માટીના માળાનું વિતરણ કરે છે. આપણેફકત ર૦ મી માર્ચના દિવસ પુરતું જ મહત્‍વ નહીં આપતા ‘‘ચીં...ચીં ના નાદ-સ્‍વરને કાયમી સાંભળી શકીએ અને સોને કી ચિડિયા'' ગણાતા ભારતને આપણે સૌ ભારતવાસીઓ તેના મુલ્‍યને સમજી સો ગણુ કરીએ...

                          આલેખનઃ

                  રાજેન્‍દ્ર રાઠોડ

                        સંયુકત માહિતી નિયામક રાજકોટ

(10:34 am IST)