Gujarati News

Gujarati News

News of Thursday, 19th March 2020

હવે મેયર તમારે દ્વારઃ પ્રત્યેક વોર્ડમાં સતત ત્રણ દિ'નો મુકામ

વોર્ડનાં નાગરીકોનાં સફાઇ, પાણી, લાઇટ, દબાણો, ભુગર્ભ ગટર, ગેરકાયદે બાંધકામો, મકાન વેરો-પાણી વેરો, ગંદકી, ભુગર્ભ ગટર સહિત તમામ પ્રશ્નો સાંભળી સ્થળ પર નિકાલ કરશેઃ બેદરકારી બહાર આવશે તો કમિશનર સહિતનાં અધિકારીઓનો કાન આમળશે

રાજકોટ તા. ૧૮ :.. શહેરનાં નાગરીકો, લાઇટ, પાણી, ગટર, રસ્તા સહિતની પ્રાથમિક સુવિધાઓમાં સર્જાતી સમસ્યાઓ અંગે મયર -કમીશનરને ફરીયાદો કરતાં હોય છે ત્યારે વર્તમાન મેયર બીનાબેન આચાર્યએ સંવેદનશીલતા દાખવી અને નાગરીકોને કચેરી સુધી ફરીયાદ કરવા આવવુ ન પડે તે માટે ખુદ મેયર શહેરનાં તમામ ૧૮ વોર્ડમાં રૂબરૂ મુલાકાત લઇ અને નાગરીકોની ફરીયાદ સાંભળશે અને સમસ્યાનો જાત અનુભવ કરીને સમસ્યાનો સ્થળ ઉપર જ નિકાલ લાવવા ઘનિષ્ઠ પ્રયાસ કરશે એટલુ જ નહી જો કોઇ કિસ્સામાં તંત્રની બેદરકારી જણાશે. તો કમિશનર સહિતનાં અધિકારીઓને ટપારશેે. અહીં ખાસ નોંધનીય છે કે પ્રત્યેક વોર્ડમાં માત્ર ૧ દિવસ નહી સતત ૩ દિવસ સુધી મુકામ કરી અને સમસ્યાઓને જડમુળથી ઉકલી નાખવાનો આ નવતર પ્રયોગ બીનાબેન આચાર્ય સૌ પ્રથમ વખત કરી રહ્યા છે.

આ અંગે સત્તાવાર સુત્રોમાંથી પ્રાપ્ત માહીતી મુજબ સંભવત આગામી સપ્તાહથી જ મેયર પ્રત્યેક વોર્ડમાં સતત ત્રણ - ત્રણ દિવસનો મુકામ કરીને નાગરીકોનાં વિવિધ પ્રશ્નો જેવા કે સફાઇમાં અનિયમીતતા, ગંદકી, ભુગર્ભ ગટરની ગંદકી, ગેરકાયદ - દબાણો, ગેરકાયદે બાંધકામ અને રસ્તાઓનાં રીપેરીંગ, બાગ-બગીચા, કોમ્યુનીટી હોલ વગેરેની મકાન વેરો-પાણી વેરો વગેર સહિતની સમસ્યાઓ સાંભળશે. અન જે તે વિભાગનાં અધિકારીઓને આ  પ્રશ્નો ઝડપી ઉકેલવા સુચનાઓ આપશે.

તેવી જ રીતે જે જે વોર્ડમાં મોટા પ્રોજેકટો જેવા કે આવાસ-યોજના નાલા-પુલીયા, નવા રસ્તા, પેવીંગ બ્લોક, કોમ્યુનીટી હોલ, વગેરેમાં બેદરકારીના કારણે  કામ મોડુ થયુ હોય અથવા બંધ હાલતમાં હોય તેવા કિસ્સામાં જવાબદાર અધિકારીઓને ટપારવામાં આવશે.

(4:24 pm IST)