Gujarati News

Gujarati News

News of Thursday, 19th March 2020

પતિ 'માનસિક બીમાર' હોવાનું કહી ડિવોર્સ લેવા માગતી હતી પત્નિ, કોર્ટનો સાથે રહેવાનો આદેશ

મહિલાને પતિના ઘરે પરત ફરવાનો અને વૈવાહિક જીવનની ફરજો પૂરી કરવાનો આદેશ આપ્યો હતો, કારણ કે તે પોતાનો પતિ માનસિક રીતે બીમાર હોવાનું સાબિત કરી શકી નહોતી

અમદાવાદ, તા.૧૯: ગાંધીનગરની કોર્ટે એક મહિલાને તેના પતિના ઘરે જવા અને વૈવાહિક જીવનની ફરજો પૂરી કરવાનો આદેશ આપ્યો છે. મહિલા તેનો પતિ માનસિક રીતે બીમાર હોવાનો આરોપ લગાવીને ડિવોર્સ લેવા માગતી હતી પરંતુ તે તેમ સાબિત ન કરી શકતાં કોર્ટે આ આદેશ આપ્યો છે.

સચિવાલયમાં જૂનિયર કલાર્કની નોકરી કરતી મહિલાએ ત્રણ વર્ષ પહેલા તેના પતિને સ્કિઝોફ્રેનિયા હોવાનો દાવો કર્યો હતો અને તેમ પણ કહ્યું હતું કે તેના વર્તનથી પોતાના માનસિક સ્વાસ્થ્ય પણ અસર પડી રહી છે. તેણે માનસિક બીમારીના આધારે ડિવોર્સ માટે અરજી કરી હતી. આ સિવાય તેણે પતિ અને સાસરિયા પર પણ ગંભીર આરોપ લગાવ્યો હતો.

મહિલા મૂળ ગિયોડ ગામની વતની છે જયારે તેનો પતિ ગાંધીનગર પાસે આવેલા દશેલા ગામનો રહેવાસી છે. બંનેના લગ્ન વર્ષ ૨૦૧૪માં થયા હતા. મહિલાને ૨૦૧૫માં વડોદરાની કોર્ટમાં નોકરી મળી હતી. જેના એક વર્ષ બાદ તેને સચિવાલયમાં નોકરી મળતા તે તેના પિયરમાં શિફ્ટ થઈ ગઈ હતી. તેણે તેના પતિ અને સાસરિયાને છોડી દીધા હતા અને ૨૦૧૭થી ગિયોડમાં પોતાના માતા-પિતા સાથે રહેવા લાગી હતી. માર્ચ, ૨૦૧૯માં તેણે ડિવોર્સ માટે અરજી આપી હતી, જે ગાંધીનગર કોર્ટમાં પેન્ડિંગ હતી.

ડિવોર્સની અરજી આપ્યાના બે મહિના બાદ મહિલાના પતિએ કોર્ટના દરવાજા ખખડાવ્યા હતા. મહિલાના પતિએ કહ્યું કે તે ખેડૂત હોવાથી તેની પત્નીને તેના હોદ્દા કરતાં તે કામ નીચું લાગતું હતું. આ સિવાય તે સ્કિઝોફ્રેનિયાથી પીડિત હોવાના પત્નીના દાવાનું પણ ખંડન કર્યું હતું અને કહ્યું હતું કે, તેણે (પત્નીએ) તેને એટલા માટે છોડ્યો કારણ કે તેને આ લગ્ન પસંદ નહોતા.

જેના જવાબમાં પત્નીએ કહ્યું કે, લગ્ન બાદ તરત જ તેને જાણ થઈ કે તેના પતિની માનસિક સ્થિતિ સારી નથી. સ્કિઝોફ્રેનિયા સ્ટ્રોક દરમિયાન તે હિંસક બની જતો હતો અને કોઈ પણ કારણ વગર હસવા લાગતો હતો. તેને પતિની બીમારી વિશે જાણ થતાં જ તેણે સિકયુરિટી માટે સરકારી નોકરી મેળવી લીધી હતી.

જો કે, મહિલાએ કોર્ટમાં તેમ પણ કહ્યું હતું કે લગ્ન પહેલાના બે વર્ષના સમયગાળા દરમિયાન જયારે તે પતિ સાથે વાત કરતી હતી ત્યારે તેને સ્કિઝોફ્રેનિયા હોવાના લક્ષણ દેખાયા નહોતા.

બંને પક્ષ તરફથી દલીલો સાંભળ્યા બાદ કોર્ટે સોમવારે મહિલાને પતિના દ્યરે પરત ફરવાનો અને વૈવાહિક જીવનની ફરજો પૂરી કરવાનો આદેશ આપ્યો હતો, કારણ કે તે પોતાનો પતિ માનસિક રીતે બીમાર હોવાનું સાબિત કરી શકી નહોતી. તેમજ પૂરાવા વગર એકબીજાથી અલગ રહેવું યોગ્ય નથી.

(4:11 pm IST)