પોરબંદરમાં કોરોના વાઇરસના ૨ શંકાસ્પદ કેસ
યુ.કે.થી આવેલ પરિવારના બાળક અને મહિલાને સતત તાવ આવતા સરકારી ભાવસિંહજી હોસ્પિટલમાં દાખલ : બાળકને આઇસોલેશન વોર્ડમાં દાખલ કરેલ : બંનેના રિપોર્ટ જામનગર મોકલ્યા

પોરબંદર તા. ૧૯ : સરકારી ભાવસિંહજી હોસ્પિટલમાં કોરોના વાઇરસના ૨ શંકાસ્પદ કેસ આવ્યા છે. યુ.કે.થી આવેલ અને મૂળ પોરબંદર પંથકના પરિવારના બાળકને તાવ તથા ગળામાં દુઃખાવો થતો હોય સરકારી ભાવસિંહજી હોસ્પિટલના આઇસોલેશન વોર્ડમાં દાખલ કરેલ છે તથા આ પરિવારના એક મહિલાને સતત તાવ હોય હોસ્પિટલના જનરલ વોર્ડમાં સારવાર અપાઇ રહી છે.
મૂળ પોરબંદર પંથકના અને હાલ યુ.કે. રહેતા એક પરિવાર યુ.કે.થી મુંબઇ થઇ પોરબંદર આવેલ ત્યારે પરિવારના એક વર્ષના બાળકને સતત તાવ અને ગળામાં દુઃખાવો થતો હોય તેમને સરકારી ભાવસિંહજી હોસ્પિટલના કોરોનો વાઇરસ માટે સ્પેશીયલ ઉભા કરેલ આઇસોલેશન વોર્ડમાં દાખલ કરેલ છે. યુ.કે.ના આ પરિવારની એક મહિલાને તાવ આવતો હોય તેમને કોરોના વાઇરસનો શંકાસ્પદ કેસ ગણીને તાત્કાલિક સરકારી ભાવસિંહજી હોસ્પિટલમાં સારવાર ચાલુ કરી દેવામાં આવી છે. યુ.કે.ના પરિવારના બાળક અને મહિલાના રિપોર્ટ જામનગર સરકારી હોસ્પિટલ મોકલી આપવામાં આવેલ છે. પોરબંદરમાં બે દિવસ પહેલા બાળકને જન્મ આપી મૃત્યુ થયેલ યુવતીનો શંકાસ્પદ કોરોનાનો કેસ જણાતા જામનગર રિપોર્ટ કરાવતા નેગેટીવ રીપોર્ટ આવ્યો હતો. પોરબંદરમાં અત્યાર સુધી કોરોનોના એક પણ પોઝીટીવ કેસ નથી.