માસિક ધર્મની તપાસના વિવાદને પગલે ભુજની સહજાનંદ ગર્લ્સ કોલેજની માન્યતા રદ્દ : શો કોઝ નોટીસ
ટ્રસ્ટી પ્રવીણ પીંડોરીયાનો ખુલાસો અમે નોટીસનો જવાબ આપીશું : કુલપતિ કહે છે, માન્યતા રદ્દ પણ થઇ શકે છે : મહિલા કોલેજના ભવિષ્ય સામે સવાલ
ભુજ તા. ૧૯ : કોલેજમાં ભણતી યુવતીઓના કપડા ઉતારી તેમના માસિક ધર્મની તપાસ કરવાની શર્મસાર કરતી ઘટનામાં સરકારની સુચનાને પગલે કચ્છ યુનિવર્સિટીએ સહજાનંદ ગર્લ્સ કોલેજને શો કોઝ નોટિસ આપી છે. આ અંગે કુલપતિ ડો. દર્શનાબેન ધોળકીયાએ જણાવ્યું હતું કે, રાજય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા અપાયેલ ટેલિફોનિક સૂચનાને આધારે અમે શો કોઝ નોટિસ આપી છે. જે અંતર્ગત સહજાનંદ ગર્લ્સ કોલેજને ૨૪ કલાકમાં આ બહુચર્ચિત બનાવ અંગે ખુલાસો કરવા તાકીદ કરી છે. નોટિસ પછી શું? એ અંગે કુલપતિએ જણાવ્યું છે કે, જો ખુલાસો યોગ્ય નહીં લાગે તો સહજાનંદ ગર્લ્સ કોલેજની માન્યતા રદ્દ થઈ શકે છે.
દરમ્યાન કોલેજના ટ્રસ્ટી પ્રવીણ પીંડોરીયાએ જણાવ્યું હતું કે, હા અમને નોટિસ મળી છે. ૬૮ યુવતીઓની તપાસના મુદ્દાએ દેશભરમાં ચર્ચા સર્જી હતી જેને પગલે રાષ્ટ્રીય મહિલા આયોગની ટીમે પણ મુલાકાત લઈ તપાસ કરી હતી. આ બનાવમાં પોલીસે ફરિયાદ નોંધીને ચાર જણા સામે કાર્યવાહી પણ કરી હતી. જોકે, શર્મસાર સર્જતી આ ઘટના બાદ સહજાનંદ ગર્લ્સ કોલેજની માન્યતા રદ્દ થશે એવી ચર્ચા અને તર્ક વિતર્કો વચ્ચે અહીં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓના શૈક્ષણિક ભવિષ્ય સામે પણ સવાલ ઉભો થશે.