ભાવનગરમાં 'કોરોના'નો નવો શંકાસ્પદ કેસ : ૩ રિપોર્ટ નેગેટીવ
સર ટી હોસ્પિટલમાં ઉચ્ચ અધિકારીઓની ટીમ દોડી આવી : જાત નિરીક્ષણ કર્યું

ભાવનગર, તા. ૧૯ : ગઇકાલે એક દિવસમાં ત્રણ-ત્રણ શંકાસ્પદ કેસ નોંધાતા તંત્રમાં ખળભળાટ મચ્યો હતો અને પ્રેસ કોન્ફરેન્સ કરી તંત્રએ પોતાની કામગીરીનું સરવૈયુ રજૂ કરી લોજાગૃતિ માટે અપીલ કરી હતી. ભાવનગર શહેરમાંથી સાઉદી તથા બાલી ગયેલા બે જુદા જુદા વ્યકિતમાં કોરોના જેવા લક્ષણો જોવા મળ્યા છે. જેમાં એક પુરૂષ દર્દી (ઉ.વ.ર૭) તથા મહિલા દર્દી (ઉ.વ.પ૬)નો સમાવેશ થાય છે. જયારે સાંજે વધુ એક શંકાસ્પદ દર્દી મળી આવતા તેને આઇસોલેશન વોર્ડમાં ખસેડી સેમ્પલ લઇ રિપોર્ટ અર્થે મોકલી આપ્યા હતા. આ તમામ દર્દીઓના રિપોર્ટ આજે નેગેટીવ આવ્યો છે. જયારે શહેરની એક હોટલમાં રોકાયેલ આયર્લેન્ડના વિદેશી યુવાનમાં કોરોના લક્ષણો હોવાનું ધ્યાને આવતા તંત્રના ધ્યાને આ વાત મૂકાઇ હતી આથી આ યુવાનને સર ટી હોસ્પિટલમાં લઇ જઇ સેમ્પલ લઇ પરીક્ષણ અર્થે મોકલી આપવા કાર્યવાહી હાથ ધરી છે.
સર ટી હોસ્પિટલના ટ્રોમા સેન્ટરમાં એકી સાથે કોરોનાના ૩ શંકાસ્પદ કેસો મંગળવારે નોંધાયા હતા જેના પગલે ખળભળાટ મચ્યો હતો. સવારના સમયે પાલિતાણાના મહિલા દર્દીને લાવ્યા બાદ બપોરે પછી શહેરના બીજા બે શંકાસ્પદ દર્દીઓ સામે આવ્યા હતા. આથી આરોગ્ય વિભાગમાં દોડધામ મચી હતી. જયારે પરિસ્થિતિ અંગેની જાણકારી મેળવવા જીલ્લા કલેકટર મકવાણા, મ્યુ. કમિશનર ગાંધી અને જીલ્લા વિકાસ અધિકારી વરૂણકુમાર બરનવાલ તથા આરોગ્ય અધિકારીઓ સર ટી. હોસ્પિટલના ટ્રોમા સેન્ટર ખાતે પહોંચી કોરોના વાયરસ સામેની લડાઇમાં આરોગ્ય વિભાગની તૈયારીઓની જાણકારી મેળવી હતી. જીલ્લા આરોગ્ય અધિકારી, મહાનગરપાલિકા આરોગ્ય અધિકારી અને સર ટી. હોસ્પિટલના વડા સહિતના અધિકારીઓ જોડાયા હતા. જેમના દ્વારા કોરોના વાયરસ સામે તંત્રની તૈયારી અંગે ખ્યાલ અપાયો હતો. હાલ ભાવનગર સર ટી. હોસ્પિટલના ટ્રોમા સેન્ટર ખાતે ૩૦ બેડનો આઇસોલેશન વોર્ડ તૈયાર છે જેમાં ૪૦ બેડનો ઉમેરો કરી ૭૦ બેડની તૈયારી છે, સાથે સાથે ભાવનગરના વરતે જ સી.એચ.સી. અને અલંગ ખાતે કવોરન્ટાઇન સેન્ટર પણ તૈયાર કરી દેવામાં આવ્યા છે.