ગોંડલના ભોજપરામાં સર્વિસ રોડનું બસ સ્ટેન્ડ અસામાજીક તત્વોએ તોડી પાડયુ
ઉગ્ર આંદોલનની કોંગ્રેસ પ્રમુખ બીટુભાઇ જાડેજાની ચિમકી

ગોંડલ તા. ૧૯ : ગોંડલ શહેર કોંગ્રેસ પ્રમુખ બીટુભાઇ જાડેજા દ્વારા જણાવ્યું હતું કે, ગોંડલ તાલુકાના ભોજપરા ગામ ખાતે રાજકોટથી ગોંડલ તરફ આવતા હાઇવે ઉપર સર્વિસ રોડ ઉપર આવેલ ભોજપરા ગામનું બસ સ્ટેેન્ડ જમીન માફીયા તેમજ ગોંડલના અસામાજીક વ્યકિતઓ દ્વારા તોડી નાખવામાં આવેલ હોય ત્યારે આ બસ સ્ટેન્ડ તોડનાર માફીયા પાસે સંપૂર્ણ ખર્ચ સાથે જ્યાં બસ સ્ટેન્ડ તોડવામાં આવેલ છે તેજ જગ્યા ઉપર ફરી ભોજપરા ગામનું બસ સ્ટેન્ડ બનાવવામાં આવે તેવી માંગણી કરેલ છે. જો અન્ય જગ્યા ઉપર બસ સ્ટેન્ડ બનાવવામાં આવશે તો ઉગ્ર આંદોલન છેડવામાં આવશે.
ગોંડલ તાલુકા પોલીસ તેમજ હાઇવે ઓથોરીટી, જિલ્લા કલેકટર તેમજ એસ.ટી. તંત્ર દ્વારા કોઇ કાયદેસરની કાર્યવાહી કરવામાં નહિ આવે તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન છેડવામાં આવશે તેમ બીટુભાઇ જાડેજા શહેર કોંગ્રેસ પ્રમુખની યાદીમાં જણાવેલ છે.