'કોરોના'ના કારણે બગદાણા ધર્મશાળા-ભોજનાલય બંધઃ પોરબંદર સાંદીપની હરીમંદિર બંધઃ ધુનડામાં કાર્યક્રમો મોકુફ
અગમચેતીના ભાગરૂપે જુદા-જુદા ધાર્મિક સ્થળોએ ભીડ ન થાય તે માટે નિર્ણય
રાજકોટ, તા., ૧૯: 'કોરોના' રોગચાળો પ્રસરે નહી તે માટે અગમચેતીના ભાગરૂપે રાજકોટ સહીત સૌરાષ્ટ્ર-કચ્છના જુદા જુદા ધાર્મિક સ્થળો બંધ રાખવા નિર્ણય કરવામાં આવ્યો છે.
ભાવનગર
ભાવનગર-કંઢેલીઃ શ્રી બજરંગદાસજી સીતારામ સનાતન સંસ્થાન (શ્રી ગુરૂઆશ્રમ બગદાણા) દ્વારા જાહેર જનતા અને યાત્રીકોને નમ્ર અપીલ કરવામાં આવે છે કે હાલમાં વિશ્વમાં કોરોના વાઇરસનો ફેલાવો વધુમાં વધુ થતો હોવાથી સરકારશ્રીની જાહેર સુચના અન્વયે શ્રી ગુરૂઆશ્રમ બગદાણા ટ્રસ્ટનું ભોજનાશાળા, ધર્મશાળા, ચા વિભાગ આ તમામ વિભાગો તા.૧૯ થી તા.૩૧ સુધી બંધ રાખવામાં આવેલ છે. (ધાર્મિક આસ્થાને ધ્યાને રાખી દર્શનાર્થીઓને દર્શન કરીને નિકળી જવા વિનંતી.)
વધુમાં જાહેર જનતા અને યાત્રીકોને ટ્રસ્ટીઓ તરફથી નમ્ર અપીલ કરવામાં આવે છે કે સરકારશ્રીની સુચના મુજબ મંદિરે ભીડભાડ ન થાય અને કોરોના વાઇરસથી થતા રોગની સુરક્ષા માટે તા.૩૧-૩-ર૦ર૦ સુધી બંધ રાખવામાં આવેલ છે તેમ ટ્રસ્ટી મંડળ શ્રી ગુરૂઆશ્રમ-બગદાણાએ જણાવયુ઼ છે.
જુનાગઢ
જુનાગઢ : પોરબંદર સાન્દીપતિ શ્રી હરિમંદિર ખાતે કોરાના વાઇરસ સંક્રમણને અટકાવવા લોકોની ભીડ એકઠી ના થાય અને કોરોના વાઇરસ ને અટકાવવા અંગે લોક જાગૃતિ કેળવવા ગઇકાલે બપોરથી જાહેર જનતા માટે શ્રી હરિ મંદિર બંધ કરવામાં આવેલ છે.
પૂ. ભાઇશ્રી રમેશભાઇ ઓઝાએ જણાવ્યું હતું કે લોકોએ આ મહામારીથી ગભરાવાની કોઇ જરૂર નથી પરંતુ સાવચેતી રાખવી જરૂરી છે. ભગવાનશ્રી હરિ સૌને આ આપતીમાંથી ઉગારી લેશે સૌએ ભગવાનને પ્રાર્થના કરવી પૂ. ભાઇશ્રીએ વધુમાં જણાવેલ કે નિજ મંદિરમાં શ્રી હરિની સવાર થી સાંજ સુધી સેવા પુજા અને આરતી વિગેરે પુજાક્રમ યથાવત રહેશે.
પરંતુ દર્શન માટે શ્રી હરિ મંદિર બંધ રહેશે.
જુનાગઢ
જુનાગઢ : જામજોધુર તાલુકાના ધુનડા ગામે આવેલ સતપુરણ ધામ આશ્રમ ખાતે યોજાનાર વિવિધ કાર્યક્રમ મોકૂફ રાખવામાં આવેલ છે.
પૂ. જેન્તીરામબાપાએ જણાવ્યું હતું કે હાલ દેશમાં પ્રવૃતિ રહેલ કોરાના વાયરસ ત્રાટકવાની ભીતી વચ્ચે ગુજરાત સરકાર દ્વારા જાહેર કાર્યક્રમમાં કયાંય માનવ મેદની ભીડ એકઠી ન થાય તે માટે સંસ્થાઓને કરેલ અપીલને ધ્યાને લઇ આશ્રમ ખાતે યોજાનાર ગુરૂ પુરાણ કથાનો કાર્યક્રમ તેમજ પુનમનો સત્સંગ સહિત કાર્યક્રમો મોકૂફ રાખવામાં આવેલ છે સાથે સાથે લોકોને આ કોરાના વાયરસથી ભયભીત થયા વગર સાવચેતી રાખવા અપીલ કરી છે. અને સમાજ ઉપર જયારે પણ કોઇ આપતી આવે છે ત્યારે સંતો-સદાય-આમ જનતાને સમાજની સાથે જ છીએ સૌ સાથે મળી ગુરૂ મહારાજને પ્રાર્થના કરીએ આ આપતીમાંથી સૌને આબાદ ઉગારી લ્યે.