હલેન્ડા પાસે મરઘા ભરેલુ છોટાહાથી આઇશર પાછળ અથડાતાં બોટાદના સરફરાઝનું મોત
સાથે બેઠેલા મોટા ભાઇ અસલમને ઇજાઃ વાંકાનેરથી ભાવનગર જતી વખતે બનાવઃ મૃતક યુવાનની ગયા વર્ષે સગાઇ થઇ'તીઃ પરિવારમાં માતમ

રાજકોટ તા. ૧૯: સરધારના હલેન્ડા નજીક રાત્રીના મરઘા ભરેલુ છોટાહાથી આગળ જઇ રહેલા આઇશરના ચાલકે અચાનક બ્રેક મારતાં તેની પાછળ ધડાકાભેર અથડાતાં ચાલક બોટાદના મુસ્લિમ યુવાનનું મોત નિપજ્યું હતું. જ્યારે બાજુમાં બેઠેલા તેના મોટા ભાઇને ઇજા થઇ હતી.
જાણવા મળ્યા મુજબ બોટાદ રહેતાં સરફરાઝ યાસીનભાઇ કોઠારીયા (ઉ.વ.૨૩) અને તેના ભાઇ અસલમ યાસીનભાઇ કોઠારીયા (ઉ.વ.૨૪) પોતાનું છોટાહાથી વાહન લઇને વાંકાનેર મરઘા ભરવા ગયા હતાં. રાતે ત્યાંથી ભાવનગર જઇ રહ્યા હતાં ત્યારે હલેન્ડા પાસે પહોંચ્યા તે વખતે આગળ જઇ રહેલા આઇશરના ચાલકે અચાનક બ્રેક મારતાં પાછળ છોટાહાથી અથડાતાં ચાલક સરફરાઝ કોઠારીયાને કપાળે ગંભીર ઇજા થતાં મોટા ભાઇ યાસીનની નજર સામે જ મોત નિપજ્યું હતું.
ઘટનાની જાણ થતાં આજીડેમ પોલીસ મથકનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચ્યો હતો અને જરૂરી કાર્યવાહી કરી હતી. મૃત્યુ પામનાર સરફરાઝ બે ભાઇ અને એક બહેનમાં વચેટ હતો અને તેની ગયા વર્ષે સગાઇ થઇ હતી. બનાવને પગલે પરિવારમાં માતમ છવાઇ ગયો છે.